ચુંટણી માટે રોકડની હેરાફેરી રોકવા તંત્ર એક્શનમાં આવી ગયું છે.આ માટે કલેકટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિકટ ઇન્ટેલિજન્સ કમિટી રચના કરવામાં આવી છે. જેમાં હવે જે બેન્કમાંથી રોકડનો ઉપાડ 20 ટકા જેટલો વધશે તે વિસ્તાર રડારમાં આવી જશે.લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે.જેથી ચૂંટણી પંચની સૂચના અન્વયે તમામ જિલ્લાઓમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિકટ ઇન્ટેલિજન્સ કમિટી રચના પણ કરવામાં આવી છે. આ કમિટી એક્સપેન્ડિચર સેન્સેટિવ બુથ શોધવાનું કામ કરશે. આ કમિટીમાં આઇટી, સીજીએસટી, એસજીએસટી, પોસ્ટ,બેન્ક, પોલીસ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યાં વધારે કેશની લેવડ દેવડ હોય, દારૂની પ્રવૃત્તિ હોય વધુ ખર્ચ થતા હોય તેવા બુથ શોધી કાઢવામાં આવશે. પહેલા એસેમ્બલી, પછી બુથ અને ત્યારબાદ પોકેટ શોધી તેનો રિપોર્ટ ચૂંટણી પંચને કરવામાં આવશે. વધુમાં કોઈ બેંકની બ્રાન્ચમાં કેશની લેવડ દેવડ 20 ટકાથી વધે તે વિસ્તારમાં કમિટી દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી ઓયોગે આ વખતે એડવાન્સમાં કસરત શરૂ કરી છે.જેમાં જિલ્લા કક્ષાએ ગત વર્ષના દારૂ, નાર્કોટિક્સ, રોકડ ઝડપાઇ હોય તેની વિગતો એકત્ર કરી તે વિસ્તારની ગતિવિધિમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.