રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ઓટોરિક્ષાની ચોરી કરતા રીઢા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેરના કોઝવે રોડ પરથી ધરપકડ કરી છે, સાથે જ ઓટો રીક્ષા ચોરીના પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત પોલીસને સફળતા મેળવી છે. મહત્વની વાત એ છે કે આરોપી જે શહેરમાંથી ઓટો રીક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડી રોકડી કરી લેતો હતો. ત્યારબાદ આ ઓટો રીક્ષા અન્ય શહેરમાં જઈ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતો હતો. જ્યાં વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં બનતા ગુનાઓને ડામવા અને ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાંદેરના કોઝવે રોડ પરથી રાજ્યના જુદા જુદા શહેરોમાં ઓટો રીક્ષાની ચોરી કરી તરખાટ મચાવનારા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી મળી આવેલી ઓટોરિક્ષા અંગે પૂછપરછ કરતા ઓટોરિક્ષા ચોરીની હોવાની કબુલાત કરી હતી. એટલું જ નહીં પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી પાસેથી અન્ય ચોરીની ત્રણ ઓટો રીક્ષા પણ કબજે કરવામાં આવી હતી. જે તમામ ઓટોરિક્ષા સુરતના ચોક બજાર સહિત વડોદરા અને અમદાવાદ ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
આરોપીની પૂછપરછમાં વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલી ત્રણ ઓટોરિક્ષા સુરતમાં બિનવારસી હાલતમાં મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. જ્યારે વડોદરા શાહીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી કરેલી ઓટોરિક્ષા વડોદરાના સયાજીગજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યો હોવાની હકીકત તેણે પોલીસને જણાવી હતી. જેથી ચોક બજારનો ૧, વડોદરાના ૩ અને અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓટોરિક્ષા ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસ પૂછપરછવા આરોપીએ જણાવ્યું હતું કે પોતે ૧૭ વર્ષની ઉંમરે જ ઘર છોડી બચતની ઓટો રીક્ષા ચલાવતો હતો. પરંતુ બચતની ઓટો રીક્ષાથી માલિકને રૂપિયા આપવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જેથી જે શહેરમાંથી ઓટો રીક્ષાની ચોરી કરતો હતો તે ઓટો રીક્ષા ફરાવી રોકડી કરતો હતો. ત્યારબાદ આ ઓટોરિક્ષા અન્ય શહેરમાં બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ માં પ્રથમ વખત રાંદેર પોલીસ મથકની હદમાંથી ઓટોરિક્ષાની ચોરી કરી હતી. જે બાદ હમણાં સુધી અમદાવાદ, વડોદરા, દાહોદ, મહેસાણા,ગાંધીનગર, અંકલેશ્વર, ભરૂચ ખાતેથી કુલ ૨૦ થી વધુ ઓટો રીક્ષા ચોરીના ગુનામાં અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા ૪.૧૫ લાખની કિંમતની ચોરીની ચાર ઓટો રીક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.