દેશમાં કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર પણ ભારે અચર થઈ છે . ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ને પરિણામે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થતા નાગરિકોની સારવાર માટે અને પ્રજાજનોના જાન બચાવવાની લડાઈમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ પોતાનું યોગદાન આપે તે હેતુથી તેમના પગારમાં 30 ટકા કાપ મૂકતું વિધેયક આજે ગુજરાત વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે.
એપ્રિલ 2020થી એક વર્ષ માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો સહિત વિરોધપક્ષના નેતા અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં 30 ટકા કાપ ને લગતું સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરવામાં આવ્યું હતું. કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઇ માટે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોના બેઝિક પગારમાંથી એપ્રિલ,2020 થી એક વર્ષ માટે માસિક 30 ટકા પગાર કાપ કરાશે. આ રીતે પગાર ખર્ચમાં અંદાજે રૂા. 6.27 કરોડની બચત કરવામાં આવશે. મુખ્ય દંડક, નાયબ મુખ્ય દંડક અને દંડકના પગાર માં પણ કપાત આવશે.
વૈધાનિક અને સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારની આવકોમાં ઘટાડો થયો છે અને આ મહામારીને લીધે પ્રજાજનોના જાન બચાવવા ખર્ચ માં અનેકગણો વધારો થયો છે. કોરોના સામેની આ લડાઈ માટે વધુ નાણાની આવશ્યકતા હોઈ પ્રજાના પ્રતિનિધિઓના પગારમાં 30 ટકા એપ્રિલ, 2020 થી માર્ચ, 2021 સુધી કાપી લેવા સબંધિત પગાર ભથ્થાં કાયદાઓમાં સુધારા કરતો વટહુકમ 8મી એપ્રિલ, 2020ના રોજ બહાર પડાયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સહિતના સભ્યના પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ 1960, ગુજરાત વિધાનસભા તથા ભથ્થાં બાબત અધિનિયમ, 1960, ગુજરાત મંત્રીઓના પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ,1960 અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા) પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ, 1979 થી પ્રાપ્ત થાય છે. સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાના હેતુથી ગત આઠમી એપ્રિલના વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, આ વટહુકમને કાયદામાં પરિવર્તન કરવો જરૂરી છે. તે માટે આ વિધેયક આ સભાગૃહ સમક્ષ રજૂ કરી કાયદો બનાવવામાં આવ્યો હતો.