વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર વન કવચની ચાલતાં મુલાકાત લીઘી હતી. દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ’મન કી બાત’ નો કાર્યક્રમ વન કવચમાં બનાવેલ કુટિરમાં બેસીને નિહાળ્યો હતો.
મંત્રીશ્રીએ વન કવચમાં મુકવામાં આવેલી અરણ્યદેવીની મૂર્તિના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીના હસ્તે તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. નજીકમાં જી.આઇ.ડી.સી. હોવાથી આ વન કવચ ખૂબ મહત્વનું બની ગયું છે. ડમ્પિંગ સાઇડને સ્વચ્છ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે. સુંદર મજાના વન કવચનું નિર્માણ કરીને ડમ્પિંગ સાઇડ હરિયાળી બનાવી તે બદલ મંત્રીશ્રીએ ગાંધીનગર જિલ્લાના વન વિભાગના તમામ અધિકારી- કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કોલવડા નજીક નિર્માણ કરવામાં આવેલા વન કવચની માહિતી આપતાં જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી ચંદ્રેકુમારે જણાવ્યું છે કે, આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના સહયોગ – માર્ગદર્શન હેઠળ આજે કોલવડાની ડમ્પિંગ સાઇડ પર આ મજાનું વન કવચનું નિર્માણ ખૂબ જ ટુંકાગાળામાં થઇ શક્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પાથ પણ બનાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે વન કવચ વિસ્તારમાં વડ અને ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના હસ્તે પીપળાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વન કવચના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મંત્રી શ્રી મુળુભાઇ બેરા, ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, વન- પર્યાવરણ અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ર્ડા. એ.પી.સિંધ, અગ્ર મુખ્યવન સંરક્ષક શ્રી યુ.ડી.સિંધ, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.કે.ચતુર્વેદી, ગાંધીનગર વર્તુળના મુખ્ય વનસંરક્ષક શ્રી ર્ડા. ટી.કરૂપ્પાસામી અને ગાંધીનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી ર્ડા. ચંદ્રેશકુમાર શાનદ્રે એ દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ’ મન કી બાત’ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારી- કર્મયોગીઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા.