વલસાડના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટી મારી જતા હાઇવે પર જાણે તેલની નદીઓ વહી હતી. તેલના ડબ્બાઓ તુટી અને હાઇવે પર વિખેરાઇ ગયા હતા. પરિણામે હાઇવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દહેજથી તેલના ડબ્બા ભરેલો એક ટેમ્પો ભિવંડી જઈ રહ્યો હતો.
જે પારડી નજીક પહોંચતા જ ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડબ્બા ભરેલો ટેમ્પો બાજુમાં દોડતા અન્ય એક ટેમ્પો સાથે અથડાયો હતો. પરિણામે તેલના ડબ્બા સહિત ટેમ્પો હાઇવે પર જ પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટતા અંદર ભરેલા ડબ્બા હાઇવે પર ફંગોળાયા હતા. જેમાંથી તેલ ઢોળાતા હાઇવે પર જાણે તેલની નદી વહી હતી.
આમ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો અને લોકો પણ એકઠા થયા હતા. જો કે તેલની લૂંટ મચે એ પહેલા જ પારડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન વ્યવહાર ખોરવાયો હતો. પરિણામે પોલીસે સ્થળ પર પહોંચી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટેમ્પોને સાઈડમાં ખસેડી બચેલા ડબ્બાઓને હાઇવે પરથી ખસેડી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો.
આ ઘટનામાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. આથી કોઈ ઈજા કે જાનહાનિ નહી થઈ ન હતી. પરંતુ ટ્રકમાં ભરેલા જ તેલના ડબ્બાઓ ફૂટી ગયા હતા. જેમાંથી મોટી માત્રામાં તેલ હાઇવે પર ઢોળાઈ ગયું હતું. અને હાઇવે પર જાણે તેલની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.