સમય આવી ગયો છે કે સરકાર હાર્ટ એટેક માટે હવે ગંભીરતાથી વિચારી લે. એવું ગુજરાતમાં પહેલા ક્યારેય બન્યુ નથી કે, ગુજરાતમાં લોકો જાહેરમાં આ રીતે ઢળી પડતા હોય. હાર્ટ એટેક કોઈ છુપી બીમારીની જેમ લોકોના હૃદય પર એટેક કરી રહ્યુ છે. જેમાં જીવ જતા વાર પણ નથી લાગતો. ગુજરાતીઓ માટે હાર્ટ એટેક કોરોના કરતા પણ જીવલેણ બની રહ્યો છે. કારણ કે, કોરોનામાં લક્ષણો દેખાય છે અને સારવાર પણ શક્ય છે. પરંતું હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા જ મોત થાય છે. છેલ્લા 24 કલાકમા ગુજરાતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. તો સુરતમાં બે અને અરવલ્લીમાં એકનું મોત થયું છે. આ તમામ લોકો કામ કરતા કરતા ઢળી પડ્યા હતા. રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોના જીવ ગયા છે. આ તમામ લોકો નાની ઉંમરના હતા. ચારેય લોકોને ચાલુ કામમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને પળવારમાં તેમને મોત આંબી ગયુ હતું. ચાર લોકોના છેલ્લા 24 કલાકમાં હ્રદય બંધ પડી જતા મોત થયા છે. અરવલ્લીમાં ગરબા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત નિપજતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મૂળ જેસિંગપૂરના વતની એવા બિલ્ડરનો હાર્ટ એટેક સમયનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમમાં કોઈ પોતાના મોબાઈલમાં શુટ કરી રહ્યુ હતું ત્યારે પ્રવીણભાઈના ગરબા રમતા અને મોતની ઘટના કેદ થઈ છે. તો બીજી તરફ, સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત નિપજ્યુ છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે. બેભાન થયા બાદ મોતને ભેટવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. લિબાયતમાં સત્યાનંદ સાહું ઘરમાં બેઠો બેઠો બેભાન થઈ ગયો હતો. તો સરથાણામાં ઘનશ્યામ ધોરાજીયા સબધીને ત્યાં બેભાન થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.