અમેરિકા જવાના મોહમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીને 65 લાખ રોકડા અને દસ તોલાના સોનાનાં બિસ્કિટ ગુમાવવાનો વખત આવ્યો છે. અમેરિકા મોકલી આપવાની લાલચ આપી પરિણીત પ્રેમીએ 71.22 લાખનું ફુલેકું ફેરવી અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકીઓ આપવામાં આવતાં આખરે પ્રેમિકાને માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવાની નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે પૈસા – સોનાનાં બિસ્કિટ પરત મેળવવા માટે પ્રેમી પરિણીત હોવા છતાં યુવતીએ ઘરસંસાર માંડી લગ્નજીવનના હકો ભોગવ્યા, ઉપરાંત બંનેનાં માતા-પિતા વિદેશમાં રહેતાં હોવાનો રસપ્રદ કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી કબૂતરબાજીના કિસ્સા રોજબરોજ પ્રકાશમાં આવતાં રહેતા હોવા છતાં લોકોનો વિદેશ જવાનો મોહ ઓછો થયો નથી. એમાંય અમેરિકા પહોંચવા લોકો ગમે તે હદ પાર કરી દેતા હોય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધવામાં આવ્યો છે, જેમાં એક યુવક કબૂતરબાજીના કિસ્સાઓ કરતાં પણ ફ્રોડ કરવામાં એક સ્ટેપ આગળ નીકળ્યો હોય એવી ઘટના સામે આવી છે. આ વાત છે ગાંધીનગરના માણસાના એક સુખી સંપન્ન પરિવારમાં ઊછરેલી 22 વર્ષીય ઉર્મિલાની(નામ બદલ્યું છે), જે પેથાપુર ખાતેની એક કોલેજમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે, જેનાં માતા-પિતા છેલ્લાં 14 વર્ષથી લંડનમાં રહેતાં હોવાથી અહીં દાદા-નાના ભાઈ સાથે રહે છે. જ્યારે તેના કાકા અમદાવાદ નિકોલ વિસ્તારમાં રહેતા હોવાથી ઉર્મિલા ત્યાં આવતી-જતી હતી.
આજથી આશરે ચારેક વર્ષ પહેલાં વર્ષ 2020માં અમદાવાદ પોતાના કાકાના ઘરે રહેતા અને મૂળ માણસાના વતની પટેલ જશ્મિન પટેલ સાથે સંપર્ક થયો હતો. ત્યારે જશ્મિન કહેતો કે મારાં માતા-પિતા અમેરિકા રહે છે. તારે અમેરિકા જવું હોય તો મારે સારાએવા કોન્ટેક છે. આમ, વાતચીતનો દૌર કરી વિશ્વાસ કેળવી જશ્મિને ઉર્મિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે દાદા-કાકાનાં ઘરે પણ આવતો જતો હતો, પરંતુ સમય જતાં જશ્મિન પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં ઉર્મિલાએ વાતચીત બંધ કરી દીધી હતી.
થોડા સમય બાદ આ જશ્મિન ફરીથી માણસા ગયો હતો. એ વખતે ઉર્મિલા એકલી જ ઘરે હતી. જેથી જશ્મિન કહેવા લાગેલો કે તારે અમેરિકા જવું હોય તો મારાં મમ્મી-પપ્પા ત્યાં છે, હાલમાં મારી સાથે અમેરિકા લઈ જનાર એજન્ટનો પણ સંપર્ક થયેલો છે, જે તને ઓછા ખર્ચમાં અમેરિકા પહોંચાડી દેશે અને પૈસા પણ તારે આપવાની જરૂર નથી, માત્ર બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ બતાવવું પડશે, એમ કહી પ્રેમસંબંધો ચાલુ રાખવા દબાણ કર્યું હતું. ઉપરાંત પોતાની પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરી લેવાનો પણ ભરોસો આપ્યો હતો.
બાદમાં લંડન કરતાં અમેરિકા જવાની બહુ ઈચ્છા હોવાથી ઉર્મિલાએ વિશ્વાસમાં આવી જઈ માતા-પિતાએ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે મોકલેલા 65 લાખ તેમજ લોકરમાં 10 તોલા સોનાનાં બિસ્કિટ હોવાની જાણ જશ્મિનને કરી દીધી હતી અને વર્ષ 2021થી સપ્ટેમ્બર 2023 દરમિયાન ગૂગલ-પે, ફોન-પે તેમજ કેટલીકવાર એટીએમથી તેમજ ઘરે પડેલા 10 લાખ મળીને કુલ રૂ. 65 લાખ રોકડા, 10 તોલા સોનાનાં બિસ્કિટ તેમજ અસલ ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજો આપ્યા હતા, જેના લાંબા સમય પછી પણ અમેરિકા જવાનું કોઈ ઠેકાણું નહીં પડતાં ઉર્મિલાએ પૈસા અને સોનાનાં બિસ્કિટની ઉઘરાણી કરી હતી, એટલે જશ્મિને લગ્ન નહિ કરે તો ફોટા બજારમાં ફરતા કરી કરિયર બગાડી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.
બીજી તરફ, પૈસા અને સોનું પરત મેળવવાના આશય સાથે ઉર્મિલા 11મી ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ ખાતે જશ્મિન પાસે ગઈ હતી. જશ્મિને લગ્નના પેપર્સમાં સહીઓ કરાવી હતી. આ લગ્ન પછી જશ્મિને લગ્નજીવનના હકો પણ ભોગવ્યા હતા. જોકે પૈસા-સોનું મેળવવા નાછૂટકે ઉર્મિલાએ તેનો વિરોધ પણ કર્યો ન હતો. આખરે સમગ્ર મામલે ઉર્મિલાએ ઘરે જાણ કરી હતી. બાદમાં જશ્મિને સમાજના વડીલો થકી છૂટાછેડા આપે તો રૂપિયા 65 લાખ તેમજ 10 તોલા સોનાનાં બિસ્કિટ પરત આપી દેવાની શરત મૂકી હતી.
અંતે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી જેના પગલે સાક્ષીઓની હાજરીમાં ઉર્મિલાએ છૂટાછેડાની સાથે-સાથે નાણાકીય લેવડ-દેવડ પૂરી થઈ ગયેલી છે તેવા સમજૂતી કરાર તેમજ છૂટાછેડાનાં લખાણોમાં તા. 19મી ડિસેમ્બર 2023ના રોજ સહીઓ કરી આપી હતી. એમ છતાં આજદિન સુધી પૈસા-સોનાનાં બિસ્કિટ પરત નહીં મળતાં ઉર્મિલાને માણસા પોલીસ મથકમાં જશ્મિન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાની નોબત આવી છે.