ગાંધીનગરના અડાલજમાં ઈંટોનાં ભઠ્ઠા નજીક સર્પાકાર રીક્ષા ચલાવવા બાબતે ઠપકો આપતાં માથાકૂટ થઇ હતી. આ મુદ્દે રીક્ષા ગેંગે લોખંડની પાઇપ અને છરી વડે કાકા ભત્રીજા ઉપર ઘાતકી હૂમલો કરી આતંક મચાવી દેતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અડાલજ ગામ ઓમ રેસિડેન્શિમાં રહેતાં વિવેકભાઈ પ્રતાપસિંહ સેંગાર કલર કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરે છે. ગત તા. 1 લી જેનાં તિવારીએ વિવેકભાઈ રાત્રીના દસેક વાગે સોસાયટીના ગેટ ઉપર બેઠા હતા. એ વખતે તેમનો ભત્રીજો આદીત્ય પ્રતાપસિંહે જઈને કહ્યું હતું કે, એક રિક્ષા સોસાયટીની બહારથી નિકળેલ છે. જે રિક્ષા રોડ ઉપર આડી અવળી મારા આગળથી ચલાવતા મે રીક્ષાના ચાલકને ટકોર કરી હતી. જેથી રિક્ષામાંથી ચાર શખ્સોએ ઉતરીને તેને માર માર્યો છે.
આથી વિવેકભાઈ તેમના ભત્રીજા અને અન્ય માણસો સાથે વાહનો લઈને રીક્ષાનો પીછો કર્યો હતો. ત્યારે અડાલજ ટી.પી. રોડ એન.કે. ભઠ્ઠા સામે રીક્ષા સાથે ચાર ઈસમો ઉભા હતા. જેમની સાથે વાત કરવા જતા ચારેય ઈસમો કઈ સાંભળ્યા વિના કાકા ભત્રીજા ને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જે પૈકી એક ઈસમે લોખંડની પાઈપ વડે હૂમલો કરતાં વિવેકભાઈ નીચે ઝૂકી ગયાં હતાં. અને પાઈપ તેમના માથામાં વાગી હતી.
જ્યારે અન્ય એક ઈસમે રિક્ષામાંથી છરી લઈ આવી આદિત્યના માથામાં મારી દીધી હતી. આ હુમલામાં કાકા ભત્રીજાના માથામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. એટલે સોસાયટીના સભ્યો ભરત ચૌધરી, જીતેન્દ્ર પ્રજાપતિએ વચ્ચે પડી બન્નેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. બાદમાં રીક્ષા ગેંગ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રવાના થઈ ગઈ હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને 108 એમ્બ્યુલન્સ મારફતે અડાલજ સી.એચ.સી. ખાતે પ્રાથમીક સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અંગે આનંદજી નામના ઈસમ સહિત ચાર હુમલાખોરો વિરુદ્ધ અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.