ગુજરાતી ફિલ્મ કલાકારો અને ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કલાકારોને મદદ કરવા ગુહાર લગાવી છે. તેમણે કહ્યું કે, કલાકારોને સહાય આપો નહિતર આપઘાત કરવાનો વારો આવશે, છ મહિનાથી નાટ્યગૃહ, સિનેમા ગૃહો, પ્રસંગો બધું બંધ છે. અનિયમિત આવક હોવાથી બેકમાં લોન પણ ન મળે તેવી સ્થિતિ છે. એક પણ સહાય યોજનામાં કલાકારોને સ્થાન નથી તેથી કલાકારોની હાલત કફોડી બની છે.
હિતુ કનોડિયાએ પત્ર માં મુખ્યમંત્રીને સંબોધતા કહ્યું છે કે, લોકડાઉન થયું ત્યારથી મનોરંજન જગતના કલાકાર કસબીઓની આર્થિક હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. આ અંગે રજુઆત અમારી સમક્ષ સતત થઈ રહી છે. જેમાં લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરે કલાકારના સમાવેશ થાય છે. આજે છ મહિના પછી પણ નાટયગૃહો, સીનેમાગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઈવેન્ટ્સ વગેરે બધું જ બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. જલદી શરૂ થાય તો પણ એ માટે પ્રજાની આર્થિક સ્થિતિ હશે કે કેમ તે પ્રશ્ન છે. અને જો હોય તો પણ સ્વાધ્યની સલામતીના જોખમે કેવો પ્રતિભાવ મળશે એ પણ પ્રશ્ન છે. ટૂંકમાં સૌથી પહેલાં બંધ થઈને સૌથી છેલ્લાં મનોરંજન જગત શરૂ થશે.
વધુમાં તેઓએ લખ્યું છે કે, ‘આ કલાકારો કોઈ નિયત કંપનીમાં નિયમિત વેતન લેતા ન હોવાથી તેઓને કોઈપણ બેંકમાંથી પર્સનલ લોન મળી શકે એમ નથી જાહેરાત થયેલી કોઈ પ્રકારની સરકારી યોજનામાં પણ કલાકારોનું સમાવેશ નથી. હાલ કલાકારો માટે મજબૂરીમાં નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે, અને એવું થઈ પણ રહ્યું છે. આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઇ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરી એને અમલમાં મૂકવા માગ ૬ | હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, કનોડિયા પરિવાર વર્ષોથી ઓરકેસ્ટ્રા અને સંગીત ક્ષેત્રથી જોડાયેલ છે. તેથી હજારો કલાકારો મારી તથા મહેશકુમાર કનોડિયા (પૂર્વ સાંસદ) અને નરેશ કનોડિયા (પૂર્વ ધારાસભ્ય)ની પાસે આશા રાખી રહ્યા છે કે સરકારમાં રજૂઆત કરી તેમની વ્યથા આપ સમક્ષ પહોંચાડીએ. તેથી હકારાત્મક પગલાં લેવા રજૂઆત કરી છે.