નવા વર્ષે મનોરંજન માટેના ખર્ચમાં પણ વધારો થશે. આ માટે તમારે નવા વર્ષે ટીવી જોવા માટે વધુ નાણા ખર્ચ કરવા પડશે. વિવિધ બ્રોડકાસ્ટર દ્વારા ચેનલના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમુક બ્રોડકાસ્ટર્સે 20 થી 25 ટકાનો વધારો તો અમુક બ્રોડકાસ્ટર દ્વારા 9 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના નિયમો અનુસાર, બ્રોડકાસ્ટર્સ તેમની જાહેરાતના 30 દિવસ પછી જ નવા રેટ લાગુ કરી શકે છે.
આથી 1 ફેબ્રુઆરી, 2024થી વિવિધ બ્રોડકાસ્ટર દ્વારા ચેનલના ભાવ વધારો અમલમાં આવશે. આવી સ્થિતિમાં, ટ્રાઇ ગ્રાહકોના હિતમાં રેટને યોગ્ય રીતે મોનિટર કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિવિધ બ્રોડકાસ્ટર્સ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ડિજિટલ રાઈટ્સ, BCCI મીડિયા રાઈટ્સ, ક્રિકેટ સાઉથ આફ્રિકા મીડિયા રાઈટ્સ અને ઓલિમ્પિક્સ 2024 જેવા ઘણા મોટા પ્રોગ્રામના રાઈટ્સ ખરીદવામાં આવતા હોય છે. જેના માટે જંગી રોકાણ કરવામાં આવતું હોય છે. આથી તેને પહોંચી વળવા માટે કંપની ચેનલોના રેટ વધારીને આ રકમની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે.