જામનગરમાં એનઆરઆઇ મહિલા માટે ભરોસાની ભેંસે પાડો જણ્યો હોય તેવી સ્થિતિ થઈ છે. પોતે વિદેશ યુકેમાં રહેતી હોઈ તેણે ભારતમાં આવે તો તેના ખર્ચા અને રોકાણ માટે બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું. મહિલાની ઉંમર થઈ હોવાથી તેણે ભત્રીજાઓને જોડે રાખીને ખાતુ ખોલાવ્યું હતું. હવે ભત્રીજાઓ તેના ખાતાની રકમ જ ચાઉં કરી ગયા છે. આ રકમ પણ કંઈ હજારો કે લાખોમાં નથી પણ કરોડો રૂપિયામાં થાય છે.
આના પગલે જામનગરની આ એનઆરઆઈ મહિલાએ તેના બે ભત્રીજાઓ વિરુદ્ધ તેની નકલી સહી કરીને તેના બે બેંક ખાતામાંથી રૂ. 5.70 કરોડ ઉપાડી જવાની ફરિયાદ નોંધાવી છે. યુકેમાં રહેતી 67 વર્ષીય દિવ્યા વોરાએ જામનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના ભત્રીજા કૃણાલ શાન અને કેયુર શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તેની ફરિયાદ મુજબ, તેમણે ભારતની મુલાકાતો દરમિયાન નાણાંની જરૂરિયાત માટે 2017 માં ખાનગી બેંકની જોગર્સ પાર્ક શાખામાં ખાતું ખોલાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીયકૃત બેંકની મુંબઈ શાખામાં તેના ખાતામાંથી આ ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી.
2022માં, વોરાએ તેના ભત્રીજાઓના વર્તનમાં ફેરફાર જોયો અને ભારતની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તે નવેમ્બર 2023માં ભુજ ખાતે એક સંબંધીના ઘરે ઉતર્યા અને તેમણે ક્રુણાલ સાથે અલગ ખાનગી બેંકમાં રાખેલ સંયુક્ત ખાતું ચેક કર્યું. તેમને જાણવા મળ્યું કે એપ્રિલ 2022માં વીમા કંપનીમાંથી તેના ખાતામાં 1.7 કરોડ રૂપિયા જમા થયા હતા, પરંતુ થોડા દિવસોમાં, કૃણાલના ભારતીય ખાતામાં 11 લાખ રૂપિયા, તેના કેનેડિયન ખાતામાં 99 લાખ રૂપિયા અને 60 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. તેણે તેની પત્ની અવનીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.
આના પગલે વોરા બીજી બેન્કોમાં પણ તેના ખાતાની સ્થિતિ જાણવા ભુજની ખાનગી બેન્કની શાખામાં ગઈ, જ્યાં તેણે 2017માં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. તેને જાણવા મળ્યું કે કુર્નાલે 24 એપ્રિલ, 2018ના રોજ રૂ. 2 કરોડ અને જૂન 2018માં રૂ. 1.99 કરોડ તેના કેનેડિયન ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
તેને આઉટવર્ડ રેમિટન્સ ફોર્મની નકલ મેળવવા બેંકમાં અરજી કરી તો જાણવા મળ્યું કે આ બે ફોર્મ કેયુરે ભર્યા હતા અને તેની સહી બનાવટી હતી. તેણે દાવો કર્યો હતો કે તે સમયગાળા દરમિયાન તે ભારતમાં ન હતી અને તે આ ફોર્મ પર શારીરિક રીતે સહી કરી શકતી ન હતી.
તેણે તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ખાતામાંથી તેના ભત્રીજાના કેનેડાના ખાતામાં તેની નકલી સહી કરીને રૂ. 3.99 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેને અંધારામાં રાખીને તેના ભત્રીજા સાથેના સંયુક્ત ખાતામાંથી રૂ. 1.7 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નિકુંજ ચાવડાએ જણાવ્યું હતું કે, “બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કૃણાલની પત્ની કેનેડાની નાગરિક છે અને તેની પાસે ત્યાં વર્ક વિઝા હતો અને તેણે નાગરિકતા માટે અરજી કરી હતી. અમે બંને આરોપીઓની પોલીસ કસ્ટડી મેળવ્યા બાદ તેમની પૂછપરછ કરીશું.” આરોપીઓ સામે IPCની કલમ 406, 420, 465, 467 અને 471 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.