અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોના બેંક એટીએમમાં પ્રવેશ કરીને લોકોને પૈસા કાઢી આપવાનો વિશ્વાસ આપીને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલીને પૈસા પડાવી ઠગાઈ કરનાર આરોપીની કારંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાના શોખ માટે અનેક લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી કુલ 21 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે.
શહેરના કારંજ, શહેરકોટડા, બોડકદેવ અને ગાંધીનગરમાં એટીએમ સેન્ટરમાં ગયેલા લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતા શખ્સે આતંક મચાવ્યો હતો. જેને લઇને વિવિધ પોલીસ તપાસમાં હતી તેવામાં કારંજ પોલીસે બાતમી આધારે લાલ દરવાજા પાસેથી સંભવ આચાર્ય (ઉ.વ.34, રહે.ઓરીસ્સા)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે અલગ અલગ બેંકના કુલ 21 એટીએમ કાર્ડ, મોબાઈલફોન સહિત કુલ રૂ.1.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે શહેરભરમાં આવા અનેક ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ તેને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોવાથી તે લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુ પૂછપરછ દરમિયાન ઓરિસ્સામાં 18 તથા મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે આરોપી સાથે બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપીએ ચાર ગુના આચર્યા હોવાની કબૂલાત કર્યા બાદ વધુ 12 ગુના આચર્યા હોવાનું કબૂલ્યુ છે. આરોપી જુદી જુદી બેંકના એટીએમ સેન્ટરમાં જઈને પૈસા ઉપાડવા આવેલા લોકોને પૈસા ઉપાડી આપવા કે ઓટીપી જનરેટ કરવાની મદદ કરવાનું કહીને વિશ્વાસ કેળવતો હતો. બાદમાં એટીએમ કાર્ડ મેળવીને નજર ચૂકવીને નકલી એટીએમ કાર્ડ આપી દેતો હતો. બાદમાં પૈસા નથી ઉપડતા સર્વરમાં સમસ્યા હોવાનું કહીને ત્યાંથી નીકળી જતો હતો. ત્યારબાદ એટીએમ કાર્ડ તથા પાસવર્ડની મદદથી તે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી લેતો અથવા કાર્ડની મદદથી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી કરતો હતો.