વડોદરા શહેરમાં ઠેરઠેર હોર્ડિંગ્સનું સામ્રાજ્ય છવાયું છે. ત્યારે આજે શહેરના કાલાઘોડા સર્કલમાં ખાતે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાના અનાવરણનો પ્રંસગે હાજર પૂર્વ મંત્રી અને માંજલપુર બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ કાલાઘોડા સર્કલની આસપાસ હોર્ડિંગ્સનું સામ્રાજ્ય જોતા લાલઘૂમ થઇ ગયા હતા. અધિકારીને જાહેરમાં તતડાવી હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવાની સૂચના આપી હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજી બાગ નજીક આવેલા કાલાઘોડા સર્કલ ખાતે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાનું રેસ્ટોરેશન બાદ આજે અનાવરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં માંજલપુર વિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આવતાની સાથે જ સર્કલો ઉપર અધધ હોર્ડિંગ્સ જોતા લાલઘૂમ થયા હતા. તાત્કાલિક કાર્યક્રમમાં હાજર દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને જાહેરમાં તતડાવી તાત્કાલિક તમામના હોર્ડિંગ્સ હટાવી લેવા સૂચના આપી હતી.
રાજમાર્ગોના તમામ સર્કલો ઉપર હોર્ડિંગ્સને લીધે વાહન ચાલકોનો ધ્યાન ખેંચાય ત્યારે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. આવા સંજોગોમાં નામદાર હાઇકોર્ટ તેમજ મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં રાજકીય પક્ષો કે સંસ્થાઓ જાહેરનામાની અવગણના કરી જાહેર માર્ગો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સને લગાવી દેતા હોય છે. ત્યારે આવા હોર્ડિંગ્સને તાત્કાલિક હટાવી લેવા ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના અધિકારીને સૂચના આપી હતી.