અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોની મજા માણી ગાંધીનગર ની બસમાં પરત ફરતી મહિલાના ગળામાંથી ભીડભાડનો લાભ ઉઠાવી ગઠિયાએ 60 હજારની કિંમતનો સોનાનો દોરો સેરવી લેતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 4/એ, પ્લોટ નંબર – 50/2 માં રહેતાં રોશનીબેન ગજાનંદભાઈ ચાવડા ગઈકાલે સવારના સમયે તેમના સંબંધી ગુલાબબેન તથા નિતુબેન સાથે ગાંધીનગર ડેપોથી બસમાં બેસી અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે ગયા હતા. બાદમાં ત્રણેય જણા લાલ દરવાજા ખરીદી અર્થે ગયા હતા.
જ્યાં ખરીદી કર્યા પછી નેહરુબ્રિજથી ગાંધીનગર આવવા માટે બસમાં બેઠા હતા. જો કે સુભાષબ્રિજ પહોંચતા બસ કોઇ કારણસર બંધ પડી ગઈ હતી. આથી બસના ડ્રાઈવરે તેઓને ગાંધીનગર આવતી અન્ય બસમાં બેસાડ્યા હતા. પરંતુ બાદમાં અગાઉથી ઘણી ભીડભાડ હોવાના કારણે તેમને ઉભા ઉભા મુસાફરી કરવાની ફરજ પડી હતી.
બાદમાં કુડાસણ પહોંચતા અન્ય મુસાફરો ઉતરી જતાં રોશનીબેનને બેસવાની સીટ મળી હતી. ત્યારે માલુમ પડયું હતું કે, ગળામાંથી સોનાનો દોરો ચોરાઈ ગયો છે. આથી તેમણે બસમા શોધખોળ કરી અન્ય મુસાફરો પુછપરછ પણ કરી હતી. પરંતુ એક તોલાં વજનનાં સોનાના દોરાની કયાંય ભાળ મળી ન હતી. આખરે તેમણે ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે સોનાના દોરાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.