વડા, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 35 પાર્ટનર કન્ટ્રીના નેતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ દેશોના વડાએ આવનારા સમયમાં વૈશ્વિક અર્થતંત્ર અને લોકોની સુખાકારી માટે પરસ્પર સહયોગનાં વચનો આપ્યાં હતાં. જ્યારે વડાપ્રધાને 2047 સુધીના ગણાવેલા અમૃતકાળમાં ગુજરાતનો હેપીનેસ ઇન્ડેક્સ મજબૂત કરવાનો દાવો કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી 25 વર્ષમાં ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય 70થી વધારી 84 સુધી લઈ જઈશું.
દેશની આઝાદીને 75 વર્ષ પૂરાં થયાં છે અને હવે 2047 સુધીમાં તેની શતાબ્દી ઊજવાય તે પૂર્વેના આ સમયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળ તરીકે ઓળખાવ્યો છે. આ દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર એક વિશેષ પરિચર્ચા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યોજાઈ હતી, જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવનારાં 25 વર્ષમાં ગુજરાતના લોકોનું સરેરાશ આયુષ્ય હાલના 70 વર્ષથી વધારીને 84 વર્ષ થશે. જે અમારી સરકાર હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે સુખાકારી સૂચકાંક વધારીને અને આરોગ્ય સેવાને વધુ મજબૂત કરીને હાંસલ કરશે.
વિકસિત ભારત માટે ગુજરાતનો રોડમેપ વિષયક પરિસંવાદમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના લોકોનું જીવન ખૂબ સુખમય બને, રોજિંદા જીવનમાં તેમને આવતી નાનીમોટી અગવડો દૂર થાય અને સામાજિક પ્રશ્નોનો હલ આવે તે માટે અમારી સરકાર સંકલ્પબદ્ધ બની રહી છે. ગુજરાતના વિકસી રહેલા અર્થતંત્ર પર નિર્દેશ કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના લોકોની આર્થિક સધ્ધરતા તેમના ઘણા પ્રશ્નોનો ઉકેલ લાવશે.
પરિસંવાદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014માં બનેલી એનડીએ સરકારે પ્લાનિંગ કમિશનને સ્થાને નીતિ આયોગની રચના કરી. અગાઉના સમયમાં કેન્દ્ર અનુદાન આપે અને રાજ્ય સરકારો તે મેળવે રાખે તેવું પ્રચલન હતું, પણ હવે રાજ્યો પણ વિકસિત બનવાનાં સ્વપ્ન જુએ અને તેના થકી રાષ્ટ્ર વિકસિત બને તેવો ખ્યાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે, જેમાં ગુજરાત 2047 માટેનું પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે.