રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન, ગુજરાતમાં રોકેલો રૂપિયો સલામત અને વધુ વળતર આપે છે:- ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગર
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસરશ્રી શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર શ્રી કુલદીપ આર્ય વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ ક્ષેત્રે ઉદ્યોગકારોનું ગુજરાતમાં સ્વાગત કરતા જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતના ૧૦માં સંસ્કરણનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો છે જેનાથી રાજ્યમાં વિપુલ પ્રમાણમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થશે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીતા અને ગુજરાતીઓની છેલ્લા ૨૦ વર્ષના સખત પરિશ્રમને આભારી છે. તેમણે જમ્મુ- કાશ્મીર રાજ્ય સાથે યોજાયેલા સેમિનારનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતુ કે, હવે જમ્મુ- કાશ્મીરમાં પણ વિકાસની નવી શરૂઆત થઈ છે.
ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’ અંગે સેમિનાર ૨ માં ઈ-કોમર્સ વ્યવસાય માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી પરંતુ આજે અંતરિયાળ ગામડાંઓમાં રહેતા સિનિયર સિટીજન ઓનલાઈન વસ્તુઓ મંગાવતા થયાં છે, ત્યારે ઈ-કોમર્સથી સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય તે દિશામાં વિચારવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં સમર્થ પ્રોજેક્ટના માધ્યમથી નાના અને મધ્યમ વ્યવસાયોની સાથે સખી મંડળોને જોડીને ઈ–કોમર્સના માધ્યમથી ગુજરાતમાં મહત્તમ રોજગારી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના આદિજાતિ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટના વ્યવસાયોને ઈ–કોમર્સથી જોડવામાં આવ્યા છે, તેના પરિણાામે રોજગાર સ્વરોજગારની વિપૂલ તકોનું નિર્માણ થઇ રહ્યું છે.આદિજાતિ વિસ્તારમાં રહેતા લોકો અને નાના કારીગરો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓને ઈ-કોમર્સ પર લાવી તેમના જીવનમાં અજવાળું પથરાઇ રહ્યું છે. ઈ-કોમર્સના માધ્યમથી આપના ધંધા-રોજગારના વિકાસની સાથે અંતરિયાળ વિસ્તારના લોકોના જીવનમાં સુખાકારી અને પરિવર્તનનો પ્રકાશ રેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિદેશની પેમેન્ટ સિસ્ટમમાં ભારતીય ઈ-પેમેન્ટનું ચલણ પ્રચલિત છે ત્યારે ભારતીયોને ઈ-કોમર્સના વ્યવસાયમાં સરળતા રહે છે. રાજ્ય વાહન વ્યવહાર વિભાગની બસમાં રોકડ વ્યવહારોના કારણે મુસાફરોને પડતી હાલાકીનો નિવેડો લાવવા યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થા અમલી બનાવતા બસમાં મુસાફરી કરતા ૩૦ લાખ જેટલા મુસાફરોને સુવિધા પ્રાપ્ત થઇ છે. રાજ્યની બે હજાર જેટલી બસમાં આ સુવિધા ઉપલબ્ધ છે અને અન્ય બસમાં વહેલી તકે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ ઉદ્યોગકારોને આહવાન કરતા જણાવ્યું કે, રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન છે. ગુજરાતમાં રોકેલો રૂપિયો સલામત અને વધુ વળતર આપે છે, ત્યારે આપના સપના સાકાર કરવા અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં રોકાણ કરવું હિતાવહ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ(DPIIT) ના સેક્રેટરીશ્રી રાજેશકુમાર સિંઘે જણાવ્યું કે, વિકસિત ભારત -૨૦૪૭ના સપનાને સાકાર કરવાનો માર્ગ ગુજરાતે પ્રસસ્ત કર્યો છે. મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો ઉત્પાદન વૃદ્ધિ દર ૭.૩% છે જયારે ભારત સમગ્ર વિશ્વમાં રિટેલ માર્કેટમાં ચોથા ક્રમે છે. હાલમાં સમગ્ર ભારતમાં ૨૦૦૦થી વધુ ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ કાર્યરત છે.
ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’ અંગે સેમિનાર
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સના ચીફ બિઝનેસ ઓફિસરશ્રી શિરીષ જોષીએ જણાવ્યું હતું કે, હાલમાં ૬૦૦૦ શહેરો ONDP સાથે જોડાયેલા છે. જુદી જુદી એપ્લીકેશનનો ઉપયોગ કરીને તમામ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. સેમિનારના બીજા સેશનમાં, ભારતમાં વિકસી રહેલા ઈ-કોમર્સ માર્કેટ વિશે તજજ્ઞો દ્વારા ઈ-કોમર્સ સ્પેસમાં ટેકનોલોજીની ભૂમિકા અને મોટા વ્યવસાયો પર તેની અસર અને પાયાના સ્તરના સમાવેશ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ક્રોસ બોર્ડર પોલિસી, ઇકો-સિસ્ટમ અને ઇ-કોમર્સ વધારવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને ઈન્ટેલીજન્સ ઓટોમેશન, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ, બ્લોક ચેઇન અંગે વિગતવાર ચિંતન કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં અરવિંદ લિ. ના એકઝ્યુકેટીવ ડિરેક્ટરશ્રી કુલીન લાલભાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. જયારે અંતમાં ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. ના એમ. ડી. શ્રી મિલિન્દ તોરવણેએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.