ગાંધીનગરના પાલજ – પ્રાંતીયા બ્રિજ વચ્ચે દારૂ ભરેલી સ્વીફટ કારે પાછળથી ઈકો કારને ટક્કર મારી હતી. જેનાં કારણે બંને કાર ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા સ્વીફ્ટનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. ત્યારે કારમાં દારૂ હોવાની ગંધ આવી જતાં રાહદારીઓ પોલીસ પહોંચે એ પહેલાં દારૂ લૂંટી રવાના થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના પીલવાઈ મુકામે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં વનરાજસિંહ કાનાજી ચૌહાણ આજે સવારે ઈકો કાર લઈને ઘરેથી માલસર ખાતે મહારાજને લેવા માટે જઈ રહ્યાં હતાં. તે વખતે ચિલોડાથી અમદાવાદ તરફ જતા નૅશનલ હાઇવે પાલજથી પ્રાંતીયા બ્રિજ વચ્ચે સ્વીફટ કારના ચાલકે પાછળથી ઈકોને ટક્કર મારી હતી.
જેનાં કારણે ઈકો કાર ફગોળાઇ હાઇવેના ખાલી સાઇડના લોખંડના ડિવાઇડરને અથડાઇ ઉધા મોઢાની થઈ ગઈ હતી. જ્યારે અકસ્માત કરનાર સ્વીફ્ટ કાર પણ ઈકો પાસે આવી ગઈ હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં વનરાજસિંહ કોઈ ઈજાઓ થઈ ન હતી. તેમજ સ્વીફટ કારનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. એવામાં સ્વીફટ કારમાં દારૂ ભરેલો હોવાની ગંધ રાહદારીઓને આવી હતી અને જોતજોતાંમાં રાહદારીઓ દારૂની લૂંટ કરીને રવાના થવા લાગ્યા માંડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગનો દારૂ રાહદારીઓ લઈને ટપોટપ રવાના થઈ ચૂક્યા હતા. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી માત્ર 7 નંગ બિયરનાં ટીન મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.