ગાંધીનગરના સેકટર-2માં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. કેન્ટીન ખોલવાનું સપનું પૂર્ણ કરવા યુવાને પરિચિત મિત્રો પાસેથી પૈસા લીધા હતા, જેની અવેજીમાં વ્યાજખોર મિત્રોએ એટલી હદે માનસિક ટૉર્ચર કર્યું કે યુવાને સુસાઇડનોટમાં પોતાની આપવીતી વર્ણવીને મોત વહાલું કરી લીધું હતું. આ મામલે પોલીસે એટ્રોસિટી – દુષ્મેરણ ગુનો નોંધી સુસાઇડનોટ જપ્ત કરી તપાસનો દૌર શરૂ કર્યો છે. એમાં વ્યાજખોરોથી છુટકારો મેળવવા યુવકે તેની કાકીનું મંગળસૂત્ર પણ ગીરવી મૂક્યું, ઉપરાંત ખુદ વિશ્વાસુ મિત્રએ વિશ્વાસઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ગાંધીનગરના સેકટર-2માં રહેતાં ઉર્મિલાબેન મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરાર આધારિત સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, જેમના 27 વર્ષીય પુત્ર પાર્થે ઘ-0 ઈન્ફોસિટી ખાતે ચાની લારી શરૂ કરી હતી, પરંતુ ચાની લારીનો ધંધો બહુ નહીં ચાલતાં તેણે ઈન્ફોસિટી ખાતે કેન્ટીન ખોલવાનું સપનું જોયું હતું. એના માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં પાર્થે ઈન્ફોસિટીમાં સિક્યોરિટીનો પેટા-કોન્ટ્રેક્ટ ચલાવતા રાજુ રબારી નામના વ્યાજખોર પાસેથી રૂ. 1.30 લાખ વ્યાજે લીધા હતા. એ પૈસા પરત કરવા માટે તેણે પોતાના મિત્ર એવા ભાર્ગવ ગોસ્વામી પાસેથી બે લાખ લીધા હતા, જે તમામ પરત પણ કર્યા હતા છતાં રાજુ રૂ. 1.30 લાખની સામે રૂ. 3 લાખ તેમજ ભાર્ગવ ગોસ્વામી બે લાખની અવેજીમાં 4 લાખ એમ કુલ. 7 લાખની ઉઘરાણી કરતા હતા.
વ્યાજખોરોના ત્રાસથી કેન્ટીન પણ બંધ કરવી પડી બીજી તરફ કેન્ટીન એક સમયે શરૂ પણ થઈ ગઈ હતી, પરંતુ બંને વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હતો, જેના કારણે પાર્થને કેન્ટીન બંધ કરી દેવી પડી હતી. આ તરફ રોજેરોજની ઉઘરાણીથી કંટાળીને તેણે ચાની લારી પણ બંધ કરી દેવાની નોબત આવી હતી. આખરે આર્થિક ભીંસમાં આવી ગયેલા પાર્થે સઘળી હકીકત પરિવાર સમક્ષ જાહેર કરી હતી, જેથી પરિવારના લોકો વ્યાજે આપનારા શખસોને મળવા માટે ગયા હતા, પરંતુ બંને ટસના મસ થયા ન હતા.
ગત તા. ત્રીજી જાન્યુઆરીએ સવારના બાઈક ઉપર પાર્થ તેની માતાને સિવિલ કેમ્પસ ઉતારીને નીકળી ગયો હતો. મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં ઉર્મિલાબેને દીકરો ગુમ થયાની જાણવા જોગ નોંધાવી હતી. ત્યારે શોધખોળ દરમિયાન પાર્થની બાઈક કરાઈ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને છઠ્ઠી જાન્યુઆરીએ કરણનગર પાવર સ્ટેશન પાસેની કેનાલમાંથી પાર્થની લાશ મળી હતી, જેના ખિસ્સામાંથી પોલીસને સુસાઇડનોટ મળી આવી હતી.
સુસાઇડનોટમાં રાજુભાઈ રબારી, ભાર્ગવ ગોસ્વામી, નીતિન મિસ્ત્રી તેમજ પાર્થ ચંદાવતની મમ્મી પાસેથી લીધેલા વ્યાજના પૈસાની ઉઘરાણીના માનસિક ત્રાસના કારણે કંટાળીને આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ હતો. એના પગલે સેકટર – 7 પોલીસ મથકમાં ચાર વ્યાજખોરો સામે એટ્રોસિટી – દુષ્મેરણ દાખલ થતાં ડીવાયએસપી ડીએસ પટેલે ઘનિષ્ઠ તપાસનો દૌર શરૂ કર્યો છે.
પાર્થે લખેલી સુસાઇડનોટમાં ઉલ્લેખ કર્યો છે કે હું મારા મિત્રો લેણદારથી કંટાળીને આ પગલું ભરું છું. છેલ્લા ઘણા સમયથી દબાણમાં પૈસા ભરતો હતો. રાજુ રબારીએ મારું બહુ શોષણ કર્યું છે તેમજ મારા મિત્ર ભાર્ગવે મારા રૂપિયા નહીં ગણાવી ખુદની દમદાટી મુજબ તેના રૂપિયા ગણાવતો. મેં અત્યારસુધીમાં આપેલા રૂપિયા પૈકી રાજુ પાસેથી 6 લાખ લેવાના નીકળે છે, જ્યારે ભાર્ગવે અત્યારસુધીમાં મારા એકાઉન્ટમાંથી 5 લાખ ઉપાડ્યા છે, જે પાંચ લાખ મારા હિસ્સાના હતા એ હજી મળ્યા નથી. આ લોકોના ત્રાસથી મારા પરિચયની યુવતી પાસેથી પૈસા લીધા હતા, જેને પણ ચાર લાખ આપી દેજો.
આ સિવાય પણ મારે ઘણા લોકો પાસેથી પૈસા લેવાના નીકળે છે, પરંતુ તેઓ વ્યાજના હિસાબે મારા પૈસાની ગણતરી કરતા નથી. મારે જેની જોડે પૈસા લેવાના નીકળે છે એ લખીને જાઉં છું. એ મુજબ રાજુ પાસે 3 લાખ, ભાર્ગવ ગોસ્વામી પાસે 5 લાખ, નીતિન મિસ્ત્રી પાસે દોઢ લાખ તેમજ પાર્થ ચંદાવતની મમ્મી પાસે 60 હજાર (જે સેકટર -2માં રહે) લેવાના નીકળે છે. ઉપરાંત કુટુંબી કાકીનું ગીરવી મૂકેલું મંગળસૂત્ર પણ છોડાવી લેજો.
તેણે વધુમાં સુસાઇડનોટમાં ઉલ્લેખ કર્યો છે કે આ બધી સંકડાશને લીધે હું મેન્ટલી ખૂબ જ હારી ચૂક્યો છું. હવે અહીં રહેવા નથી માગતો, કેમ કે આ બધાના કારણે હું મારા મા-બાપ પર ધ્યાન નથી આપી શકયો. તે લોકો ખૂબ જ હેરાન થયાં છે. મારી જે કેન્ટીન ચાલતી હતી એના હિસાબ પેટે સામાનના 22 હજાર અને બિલ પેટે 18 હજાર મારા ઘરે આપવા. મમ્મી-પપ્પા મને માફ કરી દેજો. આ વ્યાજવાળા સીધી રીતે ના જીવવા દે. હું જાઉં છું બધાથી દૂર..બધા ખુશ રહેજો.
આ અંગે ડીવાયએસપી ડીએસ પટેલે કહ્યું હતું કે યુવકના આપઘાત મામલે જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જે પછીથી આરોપીઓ સામે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.