ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે ત્યારે ગુજરાતની આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓને વધુ સુરક્ષિત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આજે વિધાનસભા ખાતે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩ નુ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા માટે સુરક્ષાનાં પગલાં વધુ સઘન કરવાની સાથે સાથે આપણા માછીમારો પણ સરહદ ઓળંગી ન જાય તે માટે અવેરનેશના વિવિધ કાર્યક્રમો ઉપરાંત કેટલાક કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ટ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન મેરીટાઇમ સીક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય ફીશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે. આ ઘટનાઓ અટકાવવાના હેતુસર જરૂરી પગલા લેવા આવશ્યક હોઈ, રાજ્ય સરકાર દ્વારા આ સુધારા વિધેયક લવાયુ છે.
રાજ્યનાં માછીમારોની આર્થિક ઉત્થાનની પ્રવૃત્તિ સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા અને સલામતિ પણ અત્યંત આવશ્યક છે તેમ કહી મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયમાં ૧.૬૪ લાખ કિ.મી.ના વિસ્તારની ખંડીય છાજલી (કોન્ટીનેન્ટલ સેલ્ફ) આવેલી છે. જયારે ર.૧૪ લાખ ચોરસ કિ.મી. વિસ્તારનો એટલે કે ૨૦૦ નોટિકલ માઇલ સુધી એકસકલુઝીવ ઈકોનોમીક ઝોન વિસ્તાર (વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર) આવેલો છે. ગુજરાત રાજયમાં દરિયાઇ, આંતરદેશીય (મીઠું પાણી – ઇનલેન્ડ વોટર) અને ભાંભરાપાણી(મીઠું અને ખારુ પાણી ભેગું થાય તે ક્ષેત્ર)નાં ક્ષેત્રમાં મત્સ્યોદ્યોગ વિકાસની વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. જેને કારણે રાજ્યમાં વર્ષ ર૦૧૯-૨૦ના અંતે કુલ મત્સ્ય ઉત્પા્દન ૮,૫૮,૨૭૨ મેટ્રીક ટન થયુ છે. રાજયના પ્રાદેશિક જળ વિસ્તારમાં કિંમતી અને વિપુલ જથ્થામાં પાપલેટ, લોબસ્ટર, ઝિંગા, સ્કવીડ, બુમલા તથા સુરમાઇ જેવી માછલીઓ મળે છે. તેથી જ રાજયમાં માછીમારીની સાનૂકૂળ પરિસ્થિતિના કારણે આજે ગુજરાતના દરિયાઇ જળ વિસ્તારમાં અન્ય રાજયોના માછીમારો માછીમારી કરવા લલચાય છે. મંત્રીએ ઉમેર્યુ કે દરિયા કિનારાની સુરક્ષા આંતરિક તથા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી બાબત હોય તેનું મહત્વ સમજીને તેમજ દાણચોરી અને વિસ્ફોટકોની હેરફેરમાં દરિયાઇ માર્ગના વધતા જતા દુરૂપયોગ અને સુલભતાને ધ્યાનમાં રાખી ગુજરાત રાજયના દરિયા કિનારા પર ચાંપતી નજર અને આંતકવાદી વિરોધી દળ(ATS) સાથે અસરકારક સંકલન જળવાઇ રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા રાજયના મરીન પોલીસ દળની દેખરેખ અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. અને કોસ્ટલ સિકયુરીટી હસ્તક મુકવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફીશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપ સી બોટ અથવા અન્ય કોઈ યાંત્રીક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે search and Seizureની સત્તાઓ આપવા માટે જરુરી જોગવાઈ કરવામાં આવી છે. આ માટે રાજયના મરીન પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, ફીશીંગ માટે અન્ય રાજ્યમાંથી આવતી બોટ સામે પ્રવર્તમાન કાયદામાં દંડની કોઇ જોગવાઇ નથી. કેટલીક વાર રાજ્ય બહારની બોટો રાજ્યની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આવે છે અને રાજ્યનાં માછીમારોનાં હિતોનું ઉલ્લંઘન કરે છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બહારની ફીશીંગ બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી હોઈ, આ કાયદા દ્વારા દંડની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય બહા૨ની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે રૂપિયા એક લાખના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી ૨કમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ગુના અને દંડની જોગવાઈ માટે સ્થાનિક સત્તાક્ષેત્રના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષાત્મક સજા કરવામાં આવશે અને ફક્ત સબ-ડીવિઝનલ મેજિસ્ટ્રેટ આ માટે અમલ અધિકારી રહેશે. તે ઉપરાંત ગુનાના દંડ વસૂલવા માટે સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા અપીલ અને ફેર તપાસ માટે ન્યાય નિર્ણય અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પ્રાવધાન કરાયું છે. મંત્રીએ જણાવ્યું કે રાજ્યની ફીશીંગ બોટો આંતરરાષ્ટ્રિય દરીયાઇ સીમા ઓળંગે નહીં તે માટે ફીશીંગ બોટોને ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.) સાધનની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂા. ૪૦,૦૦૦/-ના પ૦ ટકા લેખે રૂા. ૨૦,૦૦૦/- મહત્તમ સહાય આપવામાં આવે છે. આ રજીસ્ટર્ડ થયેલી બોટો પૈકી ૫,૩૭૫ બોટોને રૂા. ૯,૭૬,૧૪,૮૫૫/- ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. એટલુ જ નહિ ભારત સરકારે ઇસરો મારફત ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ફીશીંગ બોટ્સમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રથમ તબક્કે ૫૦૦ બોટસ પૈકી ૪૪૦ બોટસમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવામાં આવ્યા છે. જેના કારણે ઇસરો દ્વારા સેટેલાઇટ મારફતે બોટસનું અસરકારક મોનીટરીંગ શક્ય બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં પકડાયેલા કુલ રૂા. ૫૬૯.૪૨ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા માછીમારોના કુટુંબને ચુકવવામાં આવી છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૭૯ અવેરનેશ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત રાજ્યના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સં૨ક્ષણ, વિકાસ-નિયમન માટે અને તે સાથે સંબંધિત અથવા આનુષંગિક બાબતો માટે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ બનાવવામાં આવ્યો છે. માછીમારીના જહાજો અને માછીમારી પ્રવૃત્તિઓનું નિયમન-દેખરેખ રાખવા મરીન પોલીસ ખાતાને મત્સ્યોદ્યોગ અધિકારીઓ અને તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ) સાથે સહયોગમાં સશકિતકરણ કરીને કામ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા કાયદાની જોગવાઈઓ અને નિયમોમાં સુધારો કરવો આવશ્યક હતો. પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારીની પ્રવૃત્તિઓની આડમાં કોઈ પણ રાજ્યની સુરક્ષા જોખમાતી હોય છે તેથી કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી હોય છે. રાજ્યના પ્રાદેશિક જળક્ષેત્રમાં રાજ્યની અને રાજ્ય બહારની માછીમારી બોટ દ્વારા રાજ્યની સુરક્ષાના વિરુદ્ધમાં ગતિવિધિના નિરીક્ષણ માટે હાલના પ્રવર્તમાન કાયદામાં જરુરી સુધારા-ફેરફાર કરવા આવશ્યક જણાયા હતા. આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં પસાર થયુ હતું.