ગાંધીનગરના વકીલને પરિચિત વિદ્યાર્થીને રાજસ્થાનની યુનિવર્સિટીમાં BHMS માં એડમિશન કરાવી આપવાના ચક્કરમાં 50 હજારનો ચૂનો લાગ્યો છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્કમાં આવેલા બે ચિટરોએ એડમિશન કરાવી આપવાના બહાને પૈસા પડાવી લઈ કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન નહીં કરાવી આપી છેતરપિંડી આચરવામાં આવતાં સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 4/બી પ્લોટ નંબર – 529/1 માં રહેતા ડો. રજનીકાંત હરેશભાઈ ચૌહાણ વકીલાત કરી ગુજરાન ચલાવે છે. તેઓ અગાઉ યુનિવર્સિટીમા પ્રોફેસર તરીકે સેવા આપતા હતા. જેનાં કારણે ઘણા વિધાર્થીઓ તેમના સંપર્કમાં હતા. ત્યારે એક વિદ્યાર્થીએ BHMS માં એડમીશન માટે કોલ કર્યો હતો. જેને NEET મા ઓછા સ્કોરના કારણે તેને એડમીશન મળી શકે તેમ ન હતુ.
જેનાં પગલે રજનીકાંતભાઈએ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ કલ્પેશભાઈ જોષીને એડમિશન માટે વાત કરી હતી. આ કલ્પેશ અલગ અલગ યુનિવર્સિટીમાં એડમીશન કરાવી આપવાની ખાત્રી આપી હતી. જેથી વિદ્યાર્થીના એડમિશનની ચર્ચા કરતાં રાજસ્થાન રાજયની યુનિવર્સીટીમા એડમીશન અપાવવાની કલ્પેશે બાંહેધરી આપી 50 હજારની માંગણી કરી હતી.
આથી રજનીકાંતભાઈએ વિશ્વાસ રાખીને તેના પાર્ટનર સુનીલ મોહનભાઈ જોષીને (મહેસાણા) ફોન પે દ્વારા 30 હજાર ટ્રાન્ફર કર્યા હતા. આ ઉપરાત જય વસાવા અને મિત પટેલ નામના વિધ્યાર્થીઓની ધોરણ-12 ની પરીક્ષાની ફી પેટે કલ્પેશના કહેવાથી દસ દસ હજાર લેખે કુલ રૂ.20 પણ ઓનલાઇન ભરેલ હતા. જે કલ્પેશભાઈ પાસે લેવા ના નિકળે છે.
આમ પૈસાની લેવડ-દેવડ બાદ આ કલ્પેશ તથા સુનિલે વિશ્વાસ અને ભરોસો આપેલ કે તમારા વિધ્યાર્થીઓનુ BHMSનુ એડમીશન થઇ જશે. પરંતુ બંનેએ આજદિન સુધી એડમીશન કરી આપેલ નહીં. તેમજ ફોન ઉપાડવાનુ પણ બંધ કરી દીધા હતા. જે પૈસાની માંગણી કરતા બન્ને જણા રજનીકાંતભાઈને થાય તે કરી લેવાનું કહી ધમકીઓ આપવામાં લાગ્યા હતા. આખરે વકીલ રજનીકાંતભાઈની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસે બંને ચિટરો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.