આજે મકરસંક્રાંતિનો પર્વ છે. દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના લોકો પણ ધામધૂમથી ધાબે ચડી પતંગ ચગાવી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. નેતાઓ પણ આ પર્વ મનાવવામાં બાકી રહેતા નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પોતાના નિવાસ્થાને પરિવાર તેમજ આડોશ- પાડોશના લોકો સાથે મળી ઉત્તરાયણની હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશમાં પવન સારો છે. આખો દેશ રામમય વાતાવરણમાં રંગાય ગયો છે. ચૂંટણીનો પણ પર્વ છે અને મોદીનો પવન હોવાથી ભાજપની પતંગ જ ચગવાની છે. કોંગ્રેસની પતંગ ગોથા ખાય છે. સતત ત્રીજી વખત દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઇ રહી છે.
ઉત્તરાયણ પર્વ નિમિતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક
લોકોને શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ જણાવ્યું હતું કે, આજે પવન સારો છે. લોકો
પોતાના ધાબા પર ચડી પતંગો ઉડાવી રહ્યા છે. પવન અને
પતંગ એ ગુજરાતનો પર્યાય છે, માટે ગુજરાતીઓ ધામધૂમથી
આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. દેશમાં ભગવાન રામનો
પણ પવન ખુબ સારો છે. વર્ષોથી આપણી જે લડાઈ ચાલતી
હતી એ આપણું સપનું સિદ્ધ થતું દેખાય છે. નરેન્દ્રભાઈ અને
અમિતભાઈએ રામ મંદિરનું કામ પૂર્ણ કરાવ્યું છે. અયોધ્યામાં
ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થઇ રહી છે. આ દેશ
ભગવાન રામનો છે અને દેશવાસીઓ રામના છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આકાશમાં પણ મોદીનો જ પવન ચાલી રહ્યો છે. ભાજપની પતંગ જ ચગવાની છે. વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે. કોંગ્રેસ પાસે કોઈ સારી ફીરકી, દોરો કે પતંગ પણ નથી. કોંગ્રેસ દિશા વિહીન છે, નેતૃત્વ વિહીન છે, એટલે એમની પતંગ નહિ ચગે. સતત ત્રીજી વખત દેશમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવા જઇ રહી છે. ઓપરેશન લોટ્સ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપ કોઈ ઓપરેશન નથી કરતું, કોંગ્રેસના લોકો કોંગ્રેસની નેતાગીરી અને કોંગ્રેસથી હતાશ છે માટે કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે.