વસ્તુની છાપેલી કિંમત કરતા દુકાનદાર વધારે પૈસાની વસૂલાત કરે તો તે ગુનો ગણાય અને આવા કિસ્સામાં ગ્રાહક દુકાનદાર સામે ફરિયાદ કરે તો દુકાનદાર સામે કાર્યવાહી પણ થાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રોસરી સ્ટોરના સંચાલક દ્વારા વસ્તુની છાપેલી કિંમત કરતા 30 રૂપિયા ગ્રાહક પાસેથી વધારે લેવામાં આવતા ગ્રાહક દ્વારા આ મામલે લડત આપવામાં આવી હતી.
ગ્રાહકની લડતના કારણે ગ્રોસરી સ્ટોરના સંચાલકને 30 રૂપિયાની સામે 2540 રૂપિયા ગ્રાહકને ચૂકવવાનો વારો આવ્યો..મહત્વની વાત છે કે, ગ્રાહક દ્વારા આ મામલે કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ચુકાદો ગ્રાહકની તરફેણમાં આવતા દુકાનદારે ગ્રાહકને વ્યાજ સહિત વળતર પરત આપવું પડ્યું.
રિપોર્ટ અનુસાર અમદાવાદના જગતપુર વિસ્તારમાં રહેતા એડવોકેટ હેમકલાએ તેમના વિસ્તારમાં આવેલી હિન્દ પ્રોવિઝન સ્ટોર્સમાંથી અજમાની ખરીદી કરી હતી. હિન્દ પ્રોવિઝન સ્ટોરના સંચાલક દ્વારા એડવોકેટ પાસેથી 30 રૂપિયા વધારે લેવામાં આવ્યા હતા. તેથી આ મામલે એડવોકેટે અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીની સુનાવણી દરમિયાન ચુકાદો એડવોકેટના તરફેણમાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, દુકાનદાર દ્વારા 1 હજાર રૂપિયાના કાયદાકીય ખર્ચ, 1500 રૂપિયા માનસિક ત્રાસ અને દુકાનદારે લીધેલા 30 રૂપિયાને 10 રૂપિયાના વ્યાજ સાથે ચૂકવવામાં આવે. 30 રૂપિયા વધારે લેવાના ચક્કરમાં દુકાનદારને 2540 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.