રાજકોટની દાયકાઓ જુની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી નાગરિક સહકારી બેંકમાં કથિત કૌભાંડના મેસેજ વાઈરલ થયાના ખળભળાટ વચ્ચે હવે રિઝર્વ બેંકની ટીમ તપાસ માટે ત્રાટકી હોવાની જોરશોરપુર્વક ચર્ચા ઉઠી છે. જો કે, બેંક દ્વારા આઈબીઆઈની કોઈ તપાસ કે ઈન્સ્પેકશનનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
રાજકોટ નાગરિક બેંકમાં પાટણમાં એક મોટા ધિરાણના બદલામાં ગીરો લીધેલી મિલ્કતનો બજાર કિંમત કરતા પાણીના મૂલે વેચી નાખીને કરોડો રૂપિયાનુ કૌભાંડ થયાના હતા.
આ મામલે નાગરિક બેંકે વિસ્તૃત હકીકતો દર્શાવીને બચાવ કર્યો હતો છતાં સમગ્ર વ્યવહાર શંકાસ્પદ દર્શાવતા મેસેજ અટકતા ન હતા. હજારો સભાસદો ધરાવતી નાગરિક બેંક સામેના આ આક્ષેપથી સમગ્ર સહકારી ક્ષેત્રમાં ખળભળાટ રહ્યો જ હતો.
આ વિવાદ દુર થાય તે પુર્વે હવે નાગરિક બેંકમાં રિઝર્વ બેંકની તપાસ- ઈન્સ્પેકશન આવ્યાની ચર્ચા છે. એમ કહેવાય છે કે નાગરિક બેંકમાં આજ સવારથી રિઝર્વ બેંકની ટીમે ધામા નાખ્યા છે અને વિવિધ ચકાસણી કરવામાં આવી રહી છે.
રિઝર્વ બેંકની તપાસ વિશે સતાવાર સમર્થન નથી છતાં સહકારી ક્ષેત્રના માહિતગાર સૂત્રોએ કહ્યું કે નાગરિક બેંક મલ્ટીસ્ટેટ બેંક હોવાથી દર વર્ષે રિઝર્વ બેંકનું ઓડીટ-ઈન્સ્પેકશન આવતુ જ હોય છે. આ માહિતી પણ ગુપ્ત રહેતી હોય છે એટલે ઓડીટ-ઈન્સ્પેકશન છે કે કેમ તે સ્પષ્ટ નથી.
નાગરિક સંઘના પ્રવકતા-પીઆરઓ અલ્પેશ મહેતાએ બેંકમાં રિઝર્વ બેંકની તપાસ-ઈન્સ્પેકશન હોવાના સોશ્યલ મીડીયામાં વાઈરલ મેસેજને તથ્યહીન ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આરબીઆઈનું કોઈ ઈન્સ્પેકશન નથી. રૂટીન તપાસ પણ નથી. સમગ્ર મેસેજ બોગસ છે. લોન કૌભાંડના આક્ષેપ વિશે પણ બેંક દ્વારા જરૂરી ચોખવટ જારી કરવામાં આવી જ છે. કોઈપણ પ્રકારનું કૌભાંડ આચરાયુ નથી. હિત ધરાવતા તત્વોની મેલીમુરાદ સિવાય આક્ષેપમાં કોઈ તથ્ય નથી.
રાજકોટ જીલ્લા સંઘની આગામી 20મીએ ચુંટણી યોજાવાની છે. 17માંથી 16 બેઠકો બીનહરીફ થઈ છે. એકમાત્ર રાજકોટ તાલુકાની બેઠક માટે ચુંટણી થવાની છે. ભાજપ દ્વારા મનસુખ સંખારવાને ઉમેદવાર બનાવાયા છે તેની સામે ભાજપના જ આગેવાન ડો. શીલુ મેદાનમાં છે. ભાજપ સામે જ ભાજપની લડાઈની સ્થિતિ સર્જાતા નેતાગીરીએ પણ ગંભીર નોંધ લીધી છે. ડો. શીલુને ભાજપના જ સતાવાર ઉમેદવાર સામે લડાવવામાં પડદા પાછળ નાગરિક બેંકની ભૂમિકા હોવાની ચર્ચા છે. આ મામલે નેતાગીરીનું ધ્યાન પણ દોરવામાં આવ્યુ છે. જીલ્લા સંઘની ચુંટણીના ઘટનાક્રમ વચ્ચે નાગરિક બેંકમાં લોન કૌભાંડના આક્ષેપ તથા રિઝર્વ બેંકની તપાસના વાઈરલ મેસેજ સૂચક ગણવામાં આવે છે. સમગ્ર વિવાદ પાછળ કોનો હાથ કે ભૂમિકા હોઈ શકે છે? તે વિશે પણ અનેકવિધ અટકળો વ્યક્ત થવા લાગી છે.