ગાંધીનગરના રખીયાલમાં પોલીસ – આર્મી ભરતીનાં કલાસ કરવા આવેલ 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ ડી મહેતાએ બળાત્કારી આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ તેમજ ભોગ બનનારને ચાર લાખ વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, કાઠિયાવાડ ખાતે રહેતા પિતાએ પોતાની 15 વર્ષની દીકરીને ગાંધીનગરના રખીયાલ પોલીસ મથકની હદ વિસ્તારના પોલીસ અને આર્મી ભરતીના કલાસીસ અર્થે મૂકી હતી. આ દરમ્યાન ત્રણ આરોપીઓ એકબીજાની મદદગારીથી સગીરાને તા. 14 જુલાઈ 2019 ના રોજ લઈ ગયા હતા. જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ આપતા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
જેમાં સગીરાની બહેનપણીનાં મિત્ર ધર્મેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ગુગો
અશોકભાઈ પરમારે બે આરોપીની મદદગારીથી લલચાવી
ફોસલાવી લગ્નની લાલચ આપી અલગ અલગ સ્થળોએ
લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે
અંગે પોલીસે જરૂરી આધાર પુરાવા આધારે કોર્ટમાં ચાર્જશીટ
ફાઈલ કરી હતી. જે કેસમાં સહ આરોપીઓને કોર્ટે નિર્દોષ
છોડી મુક્યા હતા. જ્યારે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પરમારનો
કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ ડી મહેતાની કોર્ટમાં
ચાલવા ઉપર આવતા સરકારી વકીલ સુનીલ એસ.પંડ્યા
તથા વીથ પ્રોસીક્યુશન અલ્પેશ કે. ભટ્ટ હાજર રહ્યા હતા.
સરકાર તરફે રજુઆત કરવામાં આવેલી આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બળાત્કારી ધર્મેન્દ્ર પરમારને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.