ગાંધીનગરના ચ – 0 ઈન્ફોસિટી – ધોળાકુવા મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ પરથી 40 નંગ લોખંડના ફર્મા કારમાં ચોરીને ભંગારીયા વેચવા માટે પહોંચેલા ચાર ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
રણજીત બીલીકોન લિ કંપનીમા શ્રી પાર્થ સિક્યુરીટી નામની એજન્સી ચલાવતા અશોકભાઈ અનિરૂધ્ધભાઈ બ્રહ્મભટ્ટએ ફરિયાદ નોંધાવેલી કે, ગઈકાલ રાત્રિના સમયે મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઈટ ઉપર મુકેલ સિક્યોરિટી ગાર્ડની ચેકીંગ માટે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમ્યાન સિક્યોરીટી ગાર્ડ વિરલ દંતાણીએ જાણ કરેલી કે, ચ-0 સર્કલ પાસે આવેલ ઈન્ફોસીટી મેટ્રો સ્ટેશન બાજુના વિસ્તારમા અજાણ્યા માણસો ફરતા હોય તેવુ લાગે છે. આથી અશોકભાઈ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અને તપાસ કરતા અત્રે મુકેલ લોખંડના ફર્મામાંથી આશરે 25 જેટલા ફરમા ઓછા જણાઈ આવ્યા હતા. આ ઉપરાંત ધોળાકુવા મેટ્રો સ્ટેશન પાસેથી આશરે 15 જેટલા લોખડના ફરમા ઓછા હોવાનું માલુમ પડયું હતું. આ મામલે અશોકભાઈ 32 હજારની કિંમતના લોખડના ફરમા ચોરી અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે અન્વયે એલસીબી – 2 ની ટીમે પેટ્રોલીંગ હાથ ધરીને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જેનાં પગલે મળેલી બાતમીના આધારે પોલીસે લવારપુર ગામ ખાતે હાઇવે ઉપર આવેલ ભંગારના ડેલામાં ચાર ઇસમોને સ્વિફ્ટ ગાડી સાથે પકડી લેવામાં આવ્યા હતા. જેઓની પૂછતાંછમાં તેમણે પોતાના નામ રોહીત તરસીંગભાઇ ઠાકોર ( રહે. સેક્ટર – 5, સી.એન.જી.પંપની પાછળ છાપરામાં), દિનેશ જાલાભાઇ ભરવાડ (રહે. દશામાના મંદીર પાસે, ધોળાકુવા), શ્રવણ બન્ના ચુન્નારામ ગુર્જર (રહે-લવારપુર ગામ ખાતે હાઇવે ઉપર આવેલ ભંગારના ડેલા ઉપર) તેમજ નારાયણભાઇ ભેરૂલાલ કુમારામ ગુર્જર (રહે- પીડીપીયુ કોલેજ નજીક કાચા છાપરામાં, ભાઇજીપુરા) હોવાનું જણાવ્યું હતું. જેઓની પાસેથી પોલીસે 19 હજાર 500 ની કિંમતના 26 નંગ ફરમા, મોબાઈલ ફોન ત્રણ, ગાડી તેમજ ત્રણ હજાર રોકડા મળીને કુલ રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.