વિપક્ષ તોડો અભિયાનને લઈ ભાજપની કમિટીને મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કમિટીમાં ભાજપે જયરાજસિંહનો સમાવેશ કર્યો છે. કોંગ્રેસના નારાજ નેતાઓની જાણકારી હોવાથી કમિટીમાં જયરાજસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયરાજસિંહના સમાવેશથી ભાજપ પ્રવેશના અભિયાનને વધુ વેગ મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને જોડવામાં જયરાજસિંહની ભૂમિકા મહત્વની રહેશે.
જયરાજસિંહે કોંગ્રેસમાંથી જે સમયે રાજીનામું આપ્યું તે બાદ કહ્યું હતું, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. હું જે સંસ્થામાં નાનાથી મોટો થયો તે સંસ્થાને ભાંડવાથી કોઇ મતલબ નથી, તેના કરતા હવે પછીની લડાઇ જવાબદારીની હશે. ભાજપ પાસે મારી કોઇ માંગણી નથી. મારે જે મહેનત કરવાની છે તે સમય બતાવશે. કોઇનો કઇ જગ્યાએ ક્યાં ઉપયોગ થઇ શકે તે માટે કોઇ કોંગ્રેસમાં કોઇ ઝવેરી નથી. પરંતુ કઇ વ્યક્તિનો ક્યાં ઉપયોગ થઇ શકે અને ક્યા તે કામ કરી શકશે તે, ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ સારી રીતે જાણે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા જયરાજસિંહ પરમારે કેસરિયો ધારણ કર્યો તે પહેલા તેઓ 37 વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે કામ કરી રહ્યા હતા.