જાપાનના ટોક્યોથી અમેરિકા જઈ રહેલી ફ્લાઇટમાં નશામાં ધૂત એક પેસેન્જરે કેબિન એટેન્ડન્ટને બચકું ભરી લીધું હતું. આ ઘટના બાદ પ્લેનને અધવચ્ચે ટોક્યો પરત ફરવું પડ્યું હતું. આરોપી પેસેન્જરને હનેડા એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરી હતી. એરવેઝે કહ્યું કે, આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. બે દિવસ પહેલા જ ભારતમાં પણ આવી ઘટના બની હતી.દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઇટ મોડી પડતાં રોષે ભરાયેલા એક મુસાફરે પાયલટને મુક્કો માર્યો હતો.
ઓલ નિપ્પોન એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું કે પેસેન્જર 55 વર્ષનો છે અને તે અમેરિકન નાગરિક છે. તે ફ્લાઇટમાં ખૂબ જ નશામાં ધૂત હતો. પેસેન્જરે કેબિન ક્રૂ મેમ્બરના હાથ પર બચકું ભર્યું હતું. જેના કારણે કેબિન ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવને પગલે ફ્લાઇટને પેસિફિક ક્ષેત્રથી હનેડા એરપોર્ટ તરફ પાછી વાળવી પડી હતી. ફ્લાઇટમાં 159 મુસાફરો હતા. જાપાની બ્રોડકાસ્ટર ટીબીએસ અનુસાર, આરોપી પેસેન્જરે જણાવ્યું કે તે ફ્લાઇટમાં નશામાં હતો તેથી તેના વર્તન વિશે એને કંઈપણ યાદ નથી. જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં કેબિન ક્રૂ ટીમ અને અન્ય મુસાફરોના નિવેદન પણ લેવામાં આવશે.
આ પહેલા જાપાનના હોકાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ ટક્કર સાઉથ કોરિયાના કોરિયન એર પ્લેન અને હોંગકોંગના કેથે પેસિફિક પ્લેન વચ્ચે થઈ હતી. આ દુર્ઘટના 16 જાન્યુઆરીના રોજ બની હતી જ્યારે કોરિયન એર ફ્લાઇટ KE766 જાપાનના હોકાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટથી સાઉથ કોરિયાના સિઓલ ઇંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉપડવાનું હતું.