ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આજે વર્ષ 2024-25નું 397.75 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડીંગની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ કોઈપણ પ્રકારના વેરા વધારવામાં આવ્યા નથી. મનપા દ્વારા છેલ્લા 13 વર્ષમાં શહેરનો ઉત્તરોત્તર વિકાસ કરાઈ રહ્યો છે. જેની સાથો સાથ મનપાના બજેટના કદમાં પણ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના બજેટ કળની વાત કરીએ તો વર્ષ 2019 – 20 માં બજેટનું કદ 283.95 કરોડ હતું. જે ઉત્તરોત્તર વધીને ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024-24 નું બજેટ 1247 કરોડ પહોંચી ગયું છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર જે એન વાઘેલાએ કહ્યું હતું કે, વર્ષ 2024-25 નું બજેટ ભારત સરકારના વિકસિત ભારત સંકલ્પયાત્રાના અને વર્ષ 20236ના ઓલમ્પિકના યજમાન પદના દાવા માટે ભારત સરકારના પ્રયત્નો માટે આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા માટે અમૃતકાળ સમયનો આ એક નાનકડો પ્રવાસ છે. મહાત્મા મંદિર, લીલા હોટલ અને ગીફ્ટ સિટીને કારણે ગાંધીનગર શહેરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમીટ/કોન્ફરન્સનું આયોજન અવાર નવાર થતું રહે છે. જેના કારણે દેશ વિદેશના મહાનુભાવો ગાંધીનગર શહેરની મુલાકાતે આવતા હોય છે. તેથી ગાંધીનગર શહેરની આજુબાજુના આંતરમાળખાકીય સુવિધા, સફાઈ અને લેન્ડસ્કેપીંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોવા જરૂરી છે. જેથી આ બજેટમાં અપેક્ષાને અનુરૂપ આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધા ઉપર ખાસ ભાર મુકવામાં આવેલ છે.
આ વખતે પણ પ્રોપર્ટી ટેક્ષ કે સફાઈ વેરાનો કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. પરંતુ વસુલાતની કાર્યવાડી કડક અને સઘન રીતે હાથ ધરવા ભાર મૂકવામાં આવ્યો છે. જેના પરિણામે નાણાકીય વર્ષ 2022-23 માં પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂ. 52 કરોડની હતી. જે નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં રૂ.65 કરોડ થશે. પ્રોપર્ટી ટેક્ષમાં ગત વર્ષની સરખામણીએ 22 ટકા વધારો થયેલ છે. નવી ઉમેરાયેલા મિલક્તોની સંખ્યા 10,762 છે. મિલકતવેરો વર્ષ 2024-25 मां संपूर्णपणे “CASHLESS, FACELESS अने PAPERLESS” બનાવવામાં આવશે.
વર્ષ 2023-24 ના મંજૂર થયેલ રેવન્યુ આવક રૂ. 289.77 કરોડ સામે રીવાઈઝ અંદાજ મુજબ 584.77 કરોડ થવા પામેલ છે. એટલે કે રેવન્યુ આવકમાં 101 ટકાનો વધારો થયો છે. એ જ રીતે કેપિટલ આવક રૂ. 481.34 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ. 539.98 થઈ છે. જે કેપિટલ આવકમાં 12.18 ટકાનો નો વધારો સૂચવે છે. ગત વર્ષ મંજૂર થયેલ રેવન્યુ ખર્ચ રૂ.221.80 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ. 246.30 કરોડ થઈ છે, એટલે કે રેવન્યુ ખર્ચમાં 11 ટકાનો વધારો થયો છે. એ જ રીતે કેપિટલ ખર્ચ રૂ 730.07 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ 575.18 કરોડ થવા પામેલ છે. જે કેપિટલ ખર્ચમાં 24 ટકાનો ઘટાડો સૂચવે છે. આમ, વર્ષ 2023-24 માં મંજુર થયેલ બજેટ રૂ. 951.87 કરોડની સામે રિવાઈઝ્ડ અંદાજ મુજબ રૂ. 821.49 કરોડ થયેલ છે. જે એકંદરે 13.70 ટકાનો ઘટાડો સૂચવે છે.