ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવવાની તૈયારીમાં છે. આગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ કેમ્પેઈન ચલાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવાનો રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોને ગ્રામ્ય વિસ્તારોમાં મોકલવામાં આવશે. ભાજપ કાર્યકરો ગામના લોકોને જણાવશે કે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા શું વિકાસ કરવામાં આવ્યો છે.
ભાજપના કાર્યકર્તાઓ આ પ્રચાર દરમિયાન મંદિરનો મામલો પણ ઉઠાવશે. લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બુથ પુર ભાજપને 51 ટકા મત મળે તેનો ટાર્ગેટ કાર્યકર્તાઓને આપવામાં આવશે. ગત લોકસભાની ચૂંટણીમાં જો આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો હોય તો તેને આ વખતની ચૂંટણીમાં વધારવામાં આવશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે આ જ પ્રકારનું કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 140 રેલીઓ અને સભાઓ કરશે.
એવા અહેવાલો છે કે ભાજપે કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે લોકસભાની 543 બેઠકોની વહેંચણી કરી લીધી છે. જે માટે આશરે 300 નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. ભાજપને એવી આશા છે કે લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળશે. ભાજપનું આ ગામડે ચાલો અભિયાન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી દીધી છે. ભાજપનું આ કેમ્પેઇન 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેશમાં સાત લાખ જેટલા ગામડા છે. આ ગામડાઓમાં કાર્યકર્તાઓને દોડાવવામાં આવશે. રામ મંદિર, યોજનાઓ ઉપરાંત કામની જાણકારી લોકો સુધી પહોંચાડીને મોદી સરકારનો પ્રચાર કરવામાં આવશે.
આ બધુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શરૂ કરવામાં આવશે. ભાજપના હતું કે 7-8 લોકસભા બેઠકો એવા પ્રત્યેક ક્લસ્ટરનો હિસ્સો હશે, જેનું નેતૃત્વ સ્થાનિક ભાજપના નેતાને સોપવામાં આવશે.જોકે આ નેતા ચૂંટણી નહીં લડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેક ક્લસ્ટરમાંથી ઓછામાં ઓછા એક નિર્વાચન ક્ષેત્રની મુલાકાત લેશે. પીએમ મોદી ક્લસ્ટર પ્રભારીની સાથે સાથે સ્થાનિક નેતાઓની સાથે પણ વાતચીત કરશે. આ સમગ્ર કેમ્પેઇન દરમિયાન પ્રચાર રામ મંદિર, નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના કામો પર કરવામાં આવશે.
મોરચાના કાર્યકરો ખેડૂતોને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે જણાવશે અને વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર ખેડૂતો સાથે પણ વાતચીત કરશે. કેન્દ્ર સરકાર તરફથી, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ, પશુધન વીમા યોજના, પ્રધાન મંત્રી કિસાન સિંચાઈ યોજના, પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે મુખ્ય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના ભાષણોમાં કહ્યું છે કે તેમના માટે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ ચાર જાતિઓ છે. વડાપ્રધાનનું ખેડૂતો પર વિશેષ ધ્યાન છે. જેના કારણે ભાજપ કિસાન મોરચાએ એક લાખ ગામડાના ખેડૂતો સુધી પહોંચવાની રણનીતિ તૈયાર કરી છે.