કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના છેલ્લા બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ ક્રમમાં મધ્યમ વર્ગને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દરેક વર્ગને આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ છે.માનવામાં આવે છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં હાઉસિંગ સેક્ટર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી વચગાળાના બજેટમાં શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર વચગાળાના બજેટમાં નવી હાઉસિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, 60,000 કરોડ રૂપિયાની યોજના હજુ સુધી ફાઈનલ થઈ નથી. ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી હોમ લોનની જોગવાઈ હશે અને આ યોજનાનો લાભ 50 લાખ રૂપિયા સુધીના મકાનો માટે મળી શકશે.
રિપોર્ટ અનુસાર, આ સ્કીમ હેઠળ, તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે હોમ લોન લેવા પર વ્યાજમાં 3 થી 6 ટકાની છૂટ મેળવી શકો છો. સરકાર આ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયા સુધીની જોગવાઈ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ નવી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની ક્રેડિટ લિંક સબસિડી યોજના EWS સિવાયની અન્ય તમામ શ્રેણીઓમાં બંધ કરવામાં આવી છે. હવે સરકાર આ અંગે નવી સ્કીમ લાવી શકે છે.
આ નવી જાહેરાત પહેલા પીએમ મોદી મહારાષ્ટ્રના સોલાપુરમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સરકાર રાજ્યમાં આશરે રૂ. 2,000 કરોડના મૂલ્યના આઠ AMRUT પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનેલા 90,000 થી વધુ મકાનો પણ સમર્પિત કરશે.