ગાંધીનગરના હડમતીયાના શુકનવિલાશ ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર સેકટર – 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને 11 જુગારીઓને 45 હજારની રોકડ, 11 નંગ મોબાઈલ, બે વાહનો સહિત કુલ રૂ. 2 લાખ 76 હજારના મુદ્દામાલ સાથે આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી સેકટર – 7 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ પી. આર. ચૌધરી, પીએસઆઇ એચ એ સોલંકી સહીતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળેલી કે, હડમતીયા ખાતે આવેલ શુકનવિલાશ ફ્લેટ નં એમ/ 402 નો માલીક બહારથી માણસો બોલાવી ગંજી પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમીના પગલે પોલીસે ઉક્ત ફ્લેટમાં દરોડો પાડયો હતો. જ્યાં અમિત રાજકુમાર છીતરમલ તોમર (ઉ.વ.30, રહે.શુકનવિલાશ ફ્લેટ નં એમ/402 હળમતીયા) મળી આવ્યો હતો. જેની પૂછતાંછમાં આ ફ્લેટ તેના પિતાના નામે હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે 3BHK ફ્લેટમાં પ્રવેશતા હોલમાં કુંડાળું વળીને કેટલાક ઈસમો કોઈન તથા ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમતાં જોવા મળ્યા હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
જેને લઈને જુગારીઓએ પોતાના નામ હીતેશ બાબુભાઇ બોરડ (ઉ.વ.45,હાલ રહે .સૈદર્ય-444, ટી/ 401,મુળ ગામ સરધાર તા.જી.રાજકોટ), જગદીશભાઇ જયતીભાઇ પટેલ (ઉ.વ-46, રહે-કોલવડા, પટેલ ભાગોળ), પિયુષ અંબાલાલ પટેલ (ઉ.વ-55 રહે-જલારામ સોસાયટી મકાન ન-5/એ પેથાપુર), ધનશ્યામ નાગરભાઇ પટેલ (ઉ.વ-58 રહે-પ્લોટ ન.446/2,સેકટર-2/બી, મુળ રહે-જસીતાપુર તા.ધાગ્રધા), રવિભાઇ મહાદેવભાઈ પુજારા (ઉવ-59 રહે-ડીસા, શાહ સોસાયટી ગલી નં-3 બનાસકાંઠા),દીપક મનુભાઇ અમીન (ઉ.વ-59 રહે- ભાણીજ વાસ તા.દહેગામ ), જયંતી દીપચંદભાઇ ઠકકર (ઉ.વ-53 રહે-રત્નાકર સોસાયટી પાટલા હાઇવે ગલી નં-2 તા.ડીસા જી.બનાસકાઠા), સુરેશ રણછોડભાઇ પટેલ (ઉવ-61 રહે મોટો માઢ રૂપાલ ), લક્ષ્મણ સેધાજી રાવલ (ઉ.વ-55 રહે-ન્યુ રેલ્વે કોલોની સાબરમતી અમદાવાદ મુળ ઐડુવા મહેસાણા), અશોક પ્રભુદાસ ઠકકર (ઉવ. 47,રહે- એ-1201, શ્રીજી સ્વસ્તીક સરગાસણ) હોવાનું જણાવ્યું હતું.
ઉપરોક્ત અમિત તોમર સહિતના અગિયાર જુગારીઓ પાસેથી 45 હજાર 500 રોકડા, વાહનો – 2, મોબાઈલ નંગ – 11, તેમજ ઓમ, જય માતાજી, સિદ્ધિદાતા લખેલ પ્લાસ્ટિકના અલગ અલગ રકમ છાપેલ જુદા જુદા કલરના કોઈન, જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 2.76 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને અશોક ઠક્કરનાં કહેવાથી ઉક્ત જુગારીઓ અમિત તોમરનાં ફ્લેટ પર જુગાર રમવા આવ્યા હતા. જેનાં પગલે પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.