ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. છાસવારે દારૂના ક્વૉલિટી કેસોમાં પકડાયેલ મહિલા બુટલેગરને પાસા હેઠળ પણ જેલમાં ધકેલી દેવાઈ હતી. જો કે, જેલમાં બહાર આવીને મહિલા બુટલેગરે પુનઃ દારૂનો વેપલો શરૂ કર્યો હોવાની ગંધ આવી જતાં સેકટર – 21 પોલીસે વધુ એકવાર દરોડો પાડીને 244 નંગ વિદેશી દારૂ – બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સેક્ટર – 21 પોલીસ મથકની હદ વિસ્તારનાં આદિવાડા ગામના દંતાણી વાસમાં રહેતી મહિલા બુટલેગર સવિતા ઈંગ્લિશ દારૂનો છેલ્લા ઘણા વખતથી ધંધો કરતી રહે છે. અત્યાર સુધીમાં સવિતા વિરુદ્ધ એક ડઝનથી વધુ પ્રોહીબીશનનાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જેનાં કારણે સવિતાને લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં મૂકીને પોલીસ દ્વારા તેની ગતિવિધિઓ ઉપર બાઝનજર રાખવામાં આવતી રહે છે, તેમ છતાં સવિતા વિદેશી દારૂ વેચવાનો ધંધો કરતી રહેતી હોવાથી આખરે પોલીસે તેના વિરુદ્ધમાં પાસાની દરખાસ્ત પણ કરાઈ હતી.
જે દરખાસ્ત મંજૂર થઈ જતાં પોલીસે સવિતાને જેલમાં પણ ધકેલી દીધી હતી. જો કે, જેલમાંથી છૂટીને આવ્યાં પછી સવિતા પુનઃ દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો. ત્યારે સેકટર – 21 પોલીસની ટીમ પ્રોહી ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહ અને રતનસિંહને બાતમી મળી હતી કે, લિસ્ટેડ મહિલા બુટલેગર સવિતા તેના ઘરની આગળ આવેલ લાકડાના ગલ્લા નીચે તથા મારવાડી વાસમાં આવેલ તેના બીજા પતરાવાળા મકાનમાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહી છે.
જે હકીકતના આધારે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડતા સવિતા મળી આવી ન હતી. બાદમાં પાક્કી બાતમી હોવાથી પોલીસે ઘરની સામે આવેલ લાકડાના ગલ્લા નીચે તપાસ કરતા બિયરનાં ટીન મળી આવ્યાં હતા. જ્યારે મકાનની ઉપરથી ૩ મિણીયાના થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 244 નંગ વિદેશી દારૂ બિયર નો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે 26 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી વોન્ટેડ સવિતા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.