શહેરમાં ઠેક-ઠેકાણે પાણી અને ગટર લાઈન માટે તંત્ર દ્વારા ખોદકામની કામગીરી પૂર્ણ કર્યાં બાદ યોગ્ય રીતે પૂરાણ ના કરાતાં રોડ બેસી જવાના પ્રશ્નો ચોમાસા દરમિયાન જોવાં મળ્યાં હતાં, પરંતુ શિયાળાના સમયમાં પણ પાણીની મુખ્ય લાઈનનું લિકેજ થવાના કારણે સેક્ટર 22 ખાતેના મુખ્ય માર્ગનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે પરિવહનને ભારે અસર પડી હતી. આ ઉપરાંત વાહનો પણ ફસાઇ ગયાં હતાં. સેક્ટર 22માં જૈન દેરાસરની સામે આવેલ રોડ પર તાજેતરમાં પાણી-ડ્રેનેજની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગ્ય પુરાણ થયું ન હતું.
આજે શહેરના સેક્ટર-22 સહિત પાંચ સેક્ટરોમાં નવી નાંખેલી પાણીની લાઇનના ટેસ્ટીંગ માટે ફોર્સથી પાણી છોડવામાં આવ્યું હતું જે દરમિયાન જૈન દેરાસર સામે લીકેજ થવાને કારણે જ્યાં ખોદકામ થયું હતું તે મુખ્ય માર્ગ તેમજ સાઇડમાં ઠેક ઠેકાણે ભૂવા પડ્યાં હતા જેમાં રસ્તાની બાજુ પર ઉભેલી ગાડી પણ ગરકાવ થઇ ગઇ હતી. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ધારાસભ્યના નિવાસસ્થાનની બાજુમાં જ આ ઘટના બનતા ધારાસભ્ય રીટાબેન પટેલ પણ દોડી આવ્યા હતા. વધુ વાહનો ન ફસાય તે માટે ટ્રાફિક પોલીસ બોલાવી બંને તરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા.