ગાંધીનગર જિલ્લાના માર્ગો પર અકસ્માતનું જોખમ વધ્યું હોવાનું પુરવાર કરતી વધુ એક ઘટના નોંધાઈ છે. રૂપાલમાં માતાજીના દર્શન કરીને પરત આવી રહેલા બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. બાઈક ચલાવી રહેલા આધેડ અને તેમની ભત્રીજીને ગંભીર ઈજાના પગલે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત ભત્રીજીને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માણસા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુન્દ્રાસણના ઠાકોર વાસમાં રહેતા અજમલજી ચુંથાજી ઠાકોર (ઉ.વ. 55) રવેશી માતાના દર્શન કરવા ગયા હતા. તેમની સાથે પત્ની મધીબેન, બે ભત્રીજી અંજલિબેન તેમજ કામ્યા સચિનકુમાર ઠાકોર પટેલ પણ હતા. માતાજીના દર્શન બાદ તેઓ રૂપાલથી બાઈક પર ઘરે પરત જવા નીકળ્યા હતા. રસ્તામાં રાંધેજા ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. ટ્રકે ટક્કર મારતા કાકા અને ભત્રીજી નીચે પટકાયા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે મધીબેન – કામ્યા શરીરે વધતી ઓછી ઇજા થઇ હતી.
આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. 108ની મદદથી બંનેને તરત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ફરજ પરના તબીબોએ પ્રાથમિક ચકાસણી બાદ અજમલજીને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન તેમના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ સિવિલ દોડી આવ્યા હતા. જ્યારે અંજલિને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક વિભાગમાં અંજલિની સારવાર શરૂ કરી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ છે . આ ઘટના અંગે જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.