વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરા ગામ પાસે દવા બનાવતી કંપનીમાં આજે નમતી બપોરે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના લામડાપુરા ગામ પાસે આવેલ દવા બનાવતી એશિયન નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા. દરમિયાન આગના બનાવની જાણ કરવામાં આવતા ફાયર બિગેડની ત્રણ ગાડીઓ લાશ્કરો સાથે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી.
ફાયર બ્રિગેડના લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આગના બનાવની જાણ મંજુસર પોલીસ મથકને થતા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગના ધુમાડા આસપાસના પાંચ કિલોમીટર સુધી દેખાયા હતા. જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ફાયર બિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે સંબંધિત વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.