અમદાવાદમાં એક નહીં પણ બે લુટેરી દુલ્હનના કિસ્સા સામે આવ્યા છે. જેમાં બે યુવકે દલાલ મારફતે આવેલી યુવતીઓ સાથે મેરેજ બ્યુરોમાં લગ્ન કર્યા હતા. જે બાદ બન્ને યુવકો ઘરે જતા સમયે રસ્તામાં હોટલ પર જમવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે આ જ ગેંગના લોકો હાઇવે પર હોટલ પાસે કાર લઈને ઉભા હતા. જેમાં આ બંને યુવતીઓ ભાગીને જતી રહી હતી અને ત્યારબાદથી દલાલ અને અન્ય લોકોનો કોઈ અતો પતો નથી. આ સમગ્ર મામલો હાલ પોલીસ ચોપડે નોંધાયો છે. બન્ને યુવકે દલાલને એક યુવતીના એક લાખ વીસ હજાર, એમ બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપ્યા બાદ આ રેકેટમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. હાલ અમદાવાદ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ફરિયાદીના 2022માં છૂટાછેડા થયા હતા આ મામલે જગદીશ સંઘાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ખેતીકામ કરું છું અને ધોરણ 5 સુધીનો અભ્યાસ કરેલ છે. મારા લગ્ન ભાવના સાથે થયા હતા. લગ્ન જીવનમાં બે બાળકોનો જન્મ થયો હતો. પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા 2022માં અમે બન્નેએ છૂટાછેડા લઈ લીધા હતા. બાદ મારા બંને બાળકો મારી પત્ની તેની સાથે લઇ ગઈ હતી. છુટાછેડા બાદ હું એકલવાયું જીવન જીવું છું. મેં અમારા ગામના સરપંચ હાજીભાઈને બીજા લગ્ન કરવાની વાત કરી હતી.
આજથી પંદરેક દિવસ પહેલા અમારા ગામના સરપંચ અને હું જામનગર ગયા હતાં. તે સમયે જામનગર કોર્ટ પાસે જામનગર રામેશ્વરનગર ખાતે રહેતા અમારા ઓળખીતા મીનાબેન શાહ અમને મળ્યાં હતાં. તે વખતે મેં મીનાબેનને લગ્ન માટે કોઈ છોકરી હોય તો બતાવવાની વાત કરી હતી. એ સમયે મીનાબેને મને છોકરીના ફોટા બતાવ્યા હતાં. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ છોકરીના ફોટા કરજણના મેરેજ બ્યુરોનું કામ કરતા સરોજબેને મને મોકલ્યાં છે અને આ છોકરીના લગ્ન કરવાના છે.

મહિલાએ યુવતીઓના ફોટા બતાવ્યાં ત્યારબાદ મેં મારા ગામમાં રહેતા દિપકને આ અંગે વાત કરતા દિપકે પણ મને કોઈ લગ્ન માટે છોકરી હોય તો બતાવવા કહ્યું હતું. જેથી મેં મીનાબેન સાથે દિપકનો કોન્ટેક કરાવ્યો હતો. ત્યારબાદ મીનાબેને દિપકને છોકરીના ફોટા બતાવી, બન્ને છોકરીઓ ગમે તો છોકરીવાળા કહે તે મુજબ પૈસા આપવાના થશે અને જો તમે હા કહેતા હોય તો આપડે ધરમપુર ખાતે બંને છોકરીઓ જોવા જઈએ તેમ જણાવ્યું હતું.
જેથા મેં અને દિપકે બંનેએ મીનાબેનને છોકરીઓ જોવા માટે જવાની હા પાડી હતી. ત્યારબાદ અમે મીનાબેનના કોન્ટેકમાં રહી અને ગત 23 જાન્યુઆરીના રાતના સમયે હું તથા મારા ગામનો દિપક તથા મારા નાનાભાઈ તથા મારા કાકા તથા મારા કૌટુંબીક ભાઈ તથા મારા ગામના એક ભાઇ અને અમારા ગામના સરપંચ તમામ તેમની ગાડી લઈને અમારા ગામથી જામનગર આવ્યાં હતાં.
જામનગરમાં વિકટોરીયા પુલ પાસે રાતના અગિયાર વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા હતાં. તે વખતે મીનાબેન અમને ત્યાં મળ્યાં અને ત્યાંથી મીનાબેન સાથે અમે તમામ લોકો ધરમપુરમાં છોકરીઓ જોવા માટે નીકળ્યાં હતા. રસ્તામાં મીનાબેન કરજણ ખાતે રહેતા સરોજબેનના કોન્ટેકમાં રહી અને અમે રસ્તામાં હતા, તે વખતે મીનાબેનના ઉપર સરોજબેનનો ફોન આવ્યો હતો. જેમાં અમોને અમદાવાદ સી.ટી.એમ. ખાતે બોલાવ્યાં હતા. જે બાદ સીટીએમ પહોંચી તેમને પૂછતા તેઓએ રામોલ નૈયા એપાર્ટમેન્ટના એડ્રેશ ઉપર આવવા જણાવ્યું હતું.
જે બાદ અમે તમામ રામોલ નૈયા એપાર્ટમેન્ટ ખાતે 24 જાન્યુઆરીના બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ પહોંચ્યાં હતા. આ વખતે નૈયા એપાર્ટમેન્ટના ગેટ પાસે સરોજબેન અને કિરણબેન ઊભા હતા. તેઓ અમને નૈયા એપાર્ટમેન્ટમાં આવેલ ગણેશ મેરેજ બ્યુરો ખાતેની ઓફિસે લઇ ગયા હતા. આ મરેજ બ્યુરો ખાતે મેરેજ બ્યુરો વાળા ધવલ અને અસ્મીતા હાજર હતા. તેઓએ અમને ત્રણ છોકરી બતાવી હતી અને તેમના લગ્ન કરવાના છે, તેમ જણાવ્યું હતું. આ ત્રણેય છોકરી અમને પસંદ નહીં આવતા મેં લગ્ન માટે ના પાડી હતી.