મુંબઈના એરપોર્ટ પર ફ્લાઈટની અંદર બેઠેલા એક મુસાફરે બૂમ પાડી કે તેની સીટ નીચે બોમ્બ છે. આ સાંભળીને તમામ મુસાફરો ડરી ગયા અને તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી. આ પછી ફ્લાઈટ રિશિડ્યુલ કરવામાં આવી હતી અને સુરક્ષા એજન્સીઓએ ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી. આ સમગ્ર ઘટનામાં અફવા ફેલાવનાર મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો મુંબઈથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનો છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5264 મુંબઈમાં ટેક-ઓફ માટે તૈયાર થતાં જ ફ્લાઈટની અંદર બેઠેલો એક મુસાફર દેકારો કરવા લાગ્યો. મોહમ્મદ અયુબ નામના પેસેન્જરે ફ્લાઈટની અંદર બૂમો પાડવાનું શરૂ કર્યું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. આ સાંભળીને આખી ફ્લાઈટમાં ગભરાટ ફેલાયો હતો.
ફ્લાઈટ સ્ટાફે તરત જ આ બાબતની જાણ કંટ્રોલ રૂમને કરી હતી. કંટ્રોલ રૂમમાંથી તરત જ ફ્લાઈટનું ટેક-ઓફ અટકાવી દેવામાં આવ્યું હતું. આ પછી, સુરક્ષા કર્મચારીઓ ફ્લાઇટમાં પહોંચ્યા અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી.
આ ચેકિંગમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી. આ પછી મુસાફરની પૂછપરછ કરવામાં આવી. જ્યારે મુસાફર મોહમ્મદ અયુબ તેની હરકતનો યોગ્ય જવાબ આપી શક્યો ન હતો, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.