છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોને હ્રદયે દગો દીધો, પાંચેય લોકોની ઉંમર 21 વર્ષથી 51 વર્ષની વચ્ચે

Spread the love

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતાં – રમતાં હાર્ટ એટેકનો શિકાર બની રહ્યાં છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલાં ચોક્કસ ઉંમરના લોકોમાં જોવા મળતાં હતાં.

પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એમાં પણ ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે હવે રાજકોટથી ફરી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોને હ્રદયે દગો દીધો છે. આ પાંચેય લોકોની ઉંમર 21 વર્ષથી 51 વર્ષની વચ્ચે છે. એક સાથે 5 લોકોના હાર્ટ એટેકથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ 5 મૃતકો પૈકી એક યુવકના તો શનિવારે લગ્ન થવાના હતા, લગ્નના બે દિવસ અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ છે.

રાજકોટના 22 વર્ષીય અજય સોલંકીના લગ્નની કંકોત્રી વહેચાઈ ચૂકી હતી. મંડપ બંધાઈ રહ્યાં હતાં અને બીજી બાજુ ઘરે મહેમાનો આવવા લાગ્યાં હતાં. ત્યારે અચાનક જ હાર્ટ એટેકથી 22 વર્ષીય અજયનું મોત નીપજતાં લગ્ન ગીતના બદલે મરસિયા ગાવામાં આવી રહ્યાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો.

વધુમાં રાજકોટની આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુર્યદીપસિંહ અચાનક બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. ત્યાર બાદ તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં તો રાજકોટનાં મયણી નગરમાં રહેતાં 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું અને બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયું છે. આ ઉપરાંત રાજકોટની જેલમાં બંધ અંજારના કેદીને હાર્ટ એટેક ભરખી ગયો છે. 55 વર્ષીય હરી લોચાણીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. આ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *