રાજ્યમાં એક વધુ તોડકાંડ અભિયાનનો પર્દાફાશ થયો છે. શિક્ષણ વિભાગમાં શાળાની મંજૂરી જેવા મામલે માફિયાઓ દ્વારા તોડકાંડ કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. આ તોડકાંડમાં આજે RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલે RTI એક્ટિવિસ્ટ તરીકે અનેક શાળાઓમાં તોડ કરવાનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 18 શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનું સામે આવ્યું.
CID દ્વારા આજે શિક્ષણ વિભાગમાં ચાલતા બેરોકટોક તોડકાંડ અભિયાનમાં મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. આ શખ્સ RTIએક્ટિવિસ્ટ તરીકે રાજ્યની શાળાઓ પાસેથી ગેરકાયદસર રીતે વસૂલાત કરતો હતો. મહેન્દ્ર પટેલ શાળાઓની મંજૂરી ઉપરાંત અન્ય બાબતોમાં મંજૂરી લેવા મામલે શાળાઓ પાસેથી મોટી રકમનો તોડ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહેન્દ્ર પટેલના ઘરે તપાસ કરતા 400થી વધુ ફાઈલો ઉપરાંત સોનાના દાગીના પણ મળી આવ્યા. શાળા તોડકાંડ મામલામાં મહેન્દ્ર પટેલની સાથે કેટલાક પૂર્વ અધિકારીઓ પણ સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યુ. અધિકારીઓને તપાસમાં તોડકાંડ આરોપી મહેન્દ્ર પટેલની કરોડોની બેનામી સંપત્તિ પણ મળી આવતા ચકચાર મચી છે.
સુરતના એક શાળા સંચાલકની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલો સામે આવ્યો. શાળા સંચાલકે ફરિયાદ કરી હતી કે RTIના આધાર પર એક વ્યક્તિ વિભાગમાં ગેરકાયદેસર રીતે વસૂલાત કરી રહ્યા છે. આ વ્યક્તિ શાળાઓમાં પોતે એક સરકારી અધિકારી હોવાનું કહી પ્રવેશ કરતો. પછી શાળાઓને લાભો મળે માટે સરકારી મંજૂરી આપવામાં મદદ કરશે તેમ કહેતો. અને મંજૂરી મેળવવા મહેન્દ્ર પટેલ રાજ્યની જુદી-જુદી શાળાના સંચાલકો પાસેથી કોરા સહી-સિક્કાવાળા લેટર પેડ, શાળા મંડળના સિક્કારો વગેરે લઈ ફાઈલ તૈયાર કરતો. ફાઈલમાં જરૂરી દસ્તાવેજો ના હોય તો બોગસ દસ્તાવેજો આપી મંજૂરી મેળવવામાં આવતી. જે શાળાઓ માંગણી મુજબ લાભ આપવાની ના પાડે તો આ એક્ટિવિસ્ટ RTIમાં વાંધા ઉભો કરતો હતો. સીઆઈડી મહેન્દ્ર પટેલના ગાંધીનગરના ઘરે પાડેલ દરોડામાં એવી 400 શાળાની ફાઈલો મળી જેની પાસેથી આ વ્યક્તિ સેટિંગ કરવાની યોજના બનાવતો હતો. આજે ગાંધીનગરથી એક વિશેષ ટુકડી તોડકાંડ તપાસ માટે રાજકોટ પંહોચી હતી. જે શાળા સંચાલકો તોડકાંડ અભિયાનમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમની સમગ્ર હકીકત જાણી નિવેદનો લઈ તપાસ હાથ ધરવામાં આવી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. બગડા દ્વારા અગાઉ મહેન્દ્ર પટેલનો બચાવ કર્યાના વલણ પર પ્રશ્ન ઉઠ્યા છે.
શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સર્કિટ હાઉસના રજિસ્ટ્રાર અને અન્ય શંકાસ્પદ લોકોની તપાસ કરાશે. બે દિવસની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સરકારને સુપરત કરાશે. પોલીસનું માનવું છે કે આ મામલામાં મહેન્દ્ર પટેલ સાથે પૂર્વ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના કેટલાક લોકો સંકળાયેલા હશે જેના આધાર પર આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે. તપાસનો રેલો ક્યાં સુધી પંહોચશે અને વધુ કયા નામો ખુલશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે.