
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી માર્ગ સલામતી જાગૃતતા અંગે યુવાનોના પ્રશિક્ષણ અને માર્ગ સલામતી જન-જાગૃતતા અન્વયે નરોડા વિસ્તારમાં ભવ્ય રેલીનું આયોજન
DCP ટ્રાફિક, શ્રી સાફીન હસન દ્વારા યુવાનોને ટ્રાફીક નિયમોનું ગંભીરતાથી પાલન કરી, જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા પ્રેરિત કરવામાં આવ્યા

યુવાનોને ભારત સરકારની વિભિન્ન યોજનાઓમાં સ્વયંસેવક તરીકે જોડાવા અને ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટર કરવાં અંગે પ્રેરણા આપવામાં આવી
માર્ગ સલામતી જાગૃતતા અંગેની આ રેલીમાં યુવાનોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
અમદાવાદ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘માય ભારત’ અને નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતતા સપ્તાહના સમાપન સમારોહ નિમિત્તે અમદાવાદ પૂર્વ વિસ્તારના નરોડામાં આવેલી પ્રસિદ્ધ નવયુગ વિદ્યાલયમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી માર્ગ સલામતી જાગૃતતા અંગે યુવાનોના પ્રશિક્ષણ અને માર્ગ સલામતી જન-જાગૃતતા અન્વયે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પધારેલા જાણીતા યુથ આઇકોન અને મોટીવેશનલ સ્પીકર તથા DCP ટ્રાફિક, પૂર્વ અમદાવાદ, શ્રી સાફીન હસન દ્વારા રેલીમાં ભાગ લઈ રહેલા યુવાનોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો તેમજ સાઇબર જાગૃતિ અંગે માહિતગાર કરી, ટ્રાફીક નિયમોનું ગંભીરતાથી પાલન કરવા અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નહેરૂ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા ચલાવવામાં આવતા જનજાગૃતિ અને યુવા વિકાસ કાર્યક્રમો અંગે કાર્યક્રમમાં હાજર યુવાનોને માહિતગાર કરી ભારત સરકારની વિભિન્ન યોજનાઓમાં સ્વયંસેવક તરીકે જોડાવા અને માય ભારત પોર્ટલ પર રજિસ્ટર કરવાં અંગે પ્રેરણા આપી હતી. ત્યારબાદ, પ્રતિભાગી યુવાનોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આ યુવાનોને ટીશર્ટ, કેપ, માય ભારત બેઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરોકત કાર્યક્રમમાં અમદાવાદના જિલ્લાના યુવા અધિકારી, શ્રી પ્રિતેશકુમાર ઝવેરી, શ્રી દિલીપકુમાર નિનામા, PI ટ્રાફીક, શ્રી એ. જે. પાંડવ, નરોડા વિસ્તારના PI શ્રી શેખ, નવયુગ વિદ્યાલયના આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા શાળાના સ્ટાફગણ હાજર રહ્યા હતા.