પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડ પરીક્ષા 2024 પહેલા દેશભરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન પીએ મોદીએ વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વની વાતો કરી. તેમણે મોબાઈલમાં સમય વેડફતા વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા કહ્યું કે તેઓ કેવી રીતે ફક્ત 30 સેકન્ડમાં સૂઈ જાય છે. તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલથી અંતર જાળવવાના કેટલાક ફાયદા પણ જણાવ્યાં.
પીએમ મોદીએ કહયું કે જ્યારે તમે એક પછી એક રીલ્સ જોતા રહેશો તો સમય વેડફાતો જશે. ઊંઘ ખરાબ થશે. પછી જે વાંચ્યુ છે તે યાદ નહીં રહે. આથી ઊંઘને જરાય ઓછી ન આંકો. આધુનિક હેલ્થ સાયન્સ ઊંઘને ખુબ મહત્વ આપે છે. તમે જરૂરી ઊંઘ લો છો કે નહીં તે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે તમે જે ઉંમરમાં છો, તેમાં જે ચીજોની જરૂર છે તે આહારમાં છે કે નહીં તે જાણવું જરૂરી છે. આપણા આહારમાં સંતુલન એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. ફિટનેસ માટે કસરત કરવી જોઈએ, જેમ રોજ ટુથબ્રશ કરો છો એ જ રીતે જરાય કોમ્પ્રોમાઈઝ કર્યા વગર કસરત કરવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે બાળકો માટે ગાઢ ઊંઘ ખુબ જરૂરી છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેઓ બિસ્તર પર જતા જ સૂઈ જાય છે.
પીએમ મોદીએ જણાવ્યું કે તેમને ગાઢ ઊંઘમાં જવામાં માત્ર 30 સેકન્ડનો સમય લાગે છે. બિસ્તર પર સૂતા જ તેઓ 30 સેકન્ડમાં ગાઢ ઊંઘમાં સરી પડે છે. આવું વર્ષના 365 દિવસ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું કામ કરું છું ત્યારે ફક્ત કામ કરું છું. જ્યારે સૂવા જઉ છું તો ફક્ત સૂઈ જઉ છું. જાગૃત છુ તો સંપૂર્ણ રીતે જાગુ છું, જ્યારે સૂઈ જઉ છું તો સંપૂર્ણ રીતે સૂઈ ગયેલો છું. પીએમ મોદીની ગાઢ ઊંઘનું બીજું રહસ્ય છે સંતુલિત આહાર. તેમણે કહ્યું કે ઉંમર પ્રમાણે જરૂરી અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. તેનાથી ગાઢ ઊંઘમાં મદદ મળશે. ગાઢ ઊંઘનો ત્રીજો ફંડા છે નિયમિત કસરત.
પીએમ મોદીએ કહ્યું કે તમારામાંથી અનેક વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હશે અને કેટલાક લોકોને તો તેની કલાકો સુધી આદત હશે પરંતુ શું ક્યારેય એવો વિચાર આવ્યો કે હું ફોન ચાર્જ નહીં કરું તો તેનો ઉપયોગ ઓછો થઈ જશે. મોબાઈલને ચલાવવા માટે ચાર્જ કરવો પડે છે અને જે રીતે મોબાઈલ ફોનને ચાર્જ કરીએ છીએ તે જ રીતે બોડીને પણ ચાર્જ કરવું પડે. જીવન તેના વગર જીવી શકાય નહીં. આથી જીવનને થોડું સંતુલિત બનાવવું પડે.
જો આપણે જ સ્વસ્થ નહીં રહીએ તો બની શકે કે ત્રણ કલાક પરીક્ષામાં જ ન બેસી શકીએ. સ્વસ્થ શરીર સ્વસ્થ મન માટે જરૂરી છે. તેનો અર્થ એ નથી કે તમારે પહેલવાની કરવાની છે. પુસ્તકો લઈને સૂર્યપ્રકાશમાં પણ ભણો. કારણ કે બોડીને ચાર્જ કરવા માટે સૂર્યપ્રકાશ પણ જરૂર પડે છે.