રાજ્યમાં હાલ લગ્નોત્સવનો માહોલ જામ્યો છે. ઠેર-ઠેર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિવારના લોકો વરરાજા માટે મોંઘી કાર અથવા બગી સહિત મંગાવતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં એવા અનેક પરિવારો છે જેઓ લગ્નમાં હેલિકોપ્ટર લાવી રહ્યા છે અને ધામધૂમથી લગ્નોત્સવ ઊજવી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલા તાલુકાના કથીવદર ગામમાં આહીર સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં ત્રણ વરરાજાએ હેલિકોપ્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હેલિકોપ્ટરમાં જાન લઈને આવી પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાજુલાના કથીવદર ગામમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રાના પુત્ર હિતેષ, અજરણભાઈનો પુત્ર વનરાજ અને બાબુભાઇ લાખણોત્રાનો પુત્ર માધવ આ ત્રણેય વરરાજા કોવાયા ગામથી હેલિકોપ્ટરમાં જાન લઈને કથીવદર ગામમાં પહોંચ્યા હતા. કોવાયાથી કથીવદર ગામ માત્ર 25 કિલોમીટરનું અંતર છે છતાં વરરાજાને હેલિકોપ્ટર મારફતે લઈ જવામાં આવ્યા હતા.
સમૂહ લગ્નોત્સવમાં વરરાજાની હેલિકોપ્ટરમાં એન્ટ્રી જોઈને તમામ લોકો દંગ રહી ગયા હતા. નાના એવા ગામમાં હેલિકોપ્ટર આવી પહોંચતા લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. ત્રણેય વરરાજા હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાં ત્રણ ચક્કર લગાવવામાં આવ્યાં હતાં જેમાં એક બાદ એક વરરાજા મંડપમાં પહોંચ્યા હતા. આહીર સમાજના અગ્રણી અને રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા દ્વારા પોતાના પુત્રના લગ્ન સમૂહલગ્નમાં યોજી સમાજને એક પ્રેરણા મળે તેવા પ્રયાસ કર્યા હતા અને હેલિકોપ્ટરમાં વરરાજા સાથે જાન લઈ જવાઈ હતી. કથીવદર ગામમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં હાલોલમાં પણ એક વરરાજાએ હેલિકોપ્ટરમાં એન્ટ્રી મારી હતી. હાલોલ શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીના પુત્રના અનોખી રીતે લગ્ન યોજાયાં હતાં. લગ્નપ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટરમાં વરરાજાની જાન તેઓના પરિવાર સાથે હાલોલ પહોંચી હતી. જેમાં નવાઈની વાત તો એ છે કે હાલોલના જ વરરાજા અને હાલોલની જ કન્યા હોવા છતાં શોખ માટે લગ્નમંડપમાં એન્ટ્રી પાડવા હેલિકોપ્ટર મંગાવ્યું હતું. વર અને વધૂએ હેલિકોપ્ટરમાં પાવાગઢ ફરતે ચક્કર લગાવ્યાં હતાં. આ જોઈ જાનૈયાઓ પણ આશ્ચર્યચકિત થયા હતા. હાલોલમાં આ રીતે હેલિકોપ્ટરમાં જાન લઈ વરરાજા આવ્યો હોય તેવું આ પહેલો બનાવ છે. જેથી સમગ્ર હાલોલ પંથકમાં આ લગ્નપ્રસંગની ચર્ચાઓ થઈ રહી છે.