
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઈબ્રન્ટ ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ સારું,ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ ઉપર આવે છે.
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ છતાં ઠોસ પરિણામ મળ્યું નથી. બાળ સ્વાસ્થ્ય-સુવિધા માટેના નાણાં ભાજપા સરકારના મળતિયાના સ્વાસ્થ્ય સુવિધા માટે સગેવગે થઈ રહ્યા છે.ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકનાં ટપોટપ મોત થયા છે.દેશના ગ્રોથ એન્જિન મનાતા વાઈબ્રન્ટ ગુજરાત કરતાં અન્ય 17 રાજ્યોનું પર્ફોર્મન્સ સારું છે.બાળ મૃત્યુ દર – કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારમાં આરોગ્ય સેવા સુધારા-સંશાધનો ઉભા કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે! અને આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ્લ નંબરે ! ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ શહેર ટોચ ઉપર આવે છે. છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જીલ્લામાં 53 નવજાત શિશુએ અંતિમ શ્વાસ લીધા છે. એ જ રીતે મહેસાણા અને કચ્છ જીલ્લામાં 41-41, બનાસકાંઠામાં 31, આણંદમાં 24, પંચમહાલ અને અમદાવાદ શહેરમાં 23-23 જ્યારે રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22-22 નવજાત શિશુએ દમ તોડ્યો છે.સરકારની અનેકવિધ યોજનાઓ છતાં કુપોષણ-બાળ મૃત્યુના કલંકને દૂર કરવામાં હજુ ઠોસ પરિણામ મળ્યા નથી, તે પણ એક હકીકત છે.
ગુજરાતમાં વર્ષ 2020માં 12,119 નવજાત શિશુના મોત રજિસ્ટર્ડ થયા હતા નવજાત શિશુના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 13,807 નવજાતના શિશુના મોત થયા હતા. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 11,585, રાજસ્થાનમાં 11,187 બાળકના મોત રજિસ્ટર્ડ થયા હતા. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુ દર 31 છે એટલે કે જન્મ લેતાં દર એક હજાર બાળકે 31 શિશુના મૃત્યુ થાય છે. બાળકીઓમાં મૃત્યુ દર 30.7 અને બાળકોમાં 31.7 છે. દેશના 17 રાજ્યો એવા છે જ્યાં નવજાત શિશુ મૃત્યુ દર ગુજરાત કરતા ઓછો છે. આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ વગેરે સામેલ છે. સૌથી ઓછો નવજાત મૃત્યુદર 50 છે. બિહારમાં 46.8, છત્તીસગઢમાં 44.2, મધ્યપ્રદેશમાં 41.3, અને ઉત્તરાખંડમાં 39.1 છે.