વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ત્રણ કામદારનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તની હાલ સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો લાઇફ કેર કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. કંપનીના એમઇ પ્લાન્ટમાં ગેસ-લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, 108 અને પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આ બ્લાસ્ટમાં 4 કામદાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને 108 દ્વારા સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા હતા, જોકે હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં ત્રણ કામદારનાં મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક કામદારની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જોકે, મૃતક અને ઘાયલ કામદારોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. જવાબદાર સામે પગલાં ભરવા માગ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનો દ્વારા સમાજના આગેવાન લખન દરબારને રજૂઆત કરવામાં આવી છે.
મૃતકોનાં નામ
• ઠાકોરભાઈ રાવજીભાઈ પરમાર (ઉં.36, રહે. કિંખલોડ ગામ, તા. બોરસર, જિ. આણંદ)
• નરેન્દ્રસિંહ કનુભાઇ સોલંકી (ઉં. 20, રહે. સારોલ ગામ, તા. બોરસર, જિ. આણંદ)
• રમેશભાઈ ગણપતભાઈ પઢિયાર (ઉં.31, રહે. નવાપુરા ગામ, તા. આંકલાવ, જિ. આણંદ)
ગંભીર રીતે ઇજાગ્રસ્ત
• મયુર લાલજીભાઈ પઢિયાર (રહે. મહુવાડ ગામ, તા. પાદરા, જિ. વડોદરા)