ગાંધીનગરનાં ચ – 0 સર્કલ નજીક વાહન ચેકીંગ દરમ્યાન ચિક્કાર દારૂના નશામાં નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ચિક્કાર દારૂ ઢીંચીને કાર લઈને રાજાપાઠમાં ફરતા નબીરાઓ પાસેથી 100 ML દારૂ ભરેલી બોટલ મળી આવતાં સેકટર – 7 પોલીસ દ્વારા 5 લાખની ક્રેટા કાર જપ્ત કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સેકટર – પોલીસે શહેરમાં દારૂ ઢીંચીને કારમાં ફરતા નબીરાઓનો નશો ઉતારી દેવામાં આવ્યો છે. સેકટર – 7 પોલીસની ટીમ ચ – 0 સર્કલ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. એ દરમ્યાન ચ – 2 તરફથી એક કાળા કલરની ફોર વ્હીલર કાર આવતાં જોઈને પોલીસે કારને રોકી દેવાઈ હતી. જેમાં ત્રણ યુવાનો બેઠેલા જોવા મળ્યા હતા. જે પૈકી બે જણાં ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું.
બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી 100 ML વિદેશી દારૂ ભરેલી બોટલ ડ્રાઈવર સાઈડની ખાલી સીટ નીચેથી મળી આવી હતી. જેનાં પગલે ત્રણેય નબીરાનાં મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે ત્રણેયને ગાડી નીચે ઉતારી કડકાઈથી પૂછતાંછ શરૂ કરી હતી. પરંતુ ત્રણ પૈકી બે નબીરા તોતડાતી જીભે જવાબો આપી શરીર સ્થિતિનું ભાન પણ રાખી શકતા ન હતા.
આખરે પોલીસે લાલ આંખ કરતા ત્રણેય પોપટની માફક પોતાના નામ દર્પ કિરીટભાઈ પાઠક (ઉ.વ.30 રહે. સેક્ટર 1/બી પ્લોટ નં. 221/2), જય મનિષકુમાર પટેલ (ઉ.વ.29 રહે. 31, નવકાર બંગ્લોઝ કુડાસણ) તેમજ રાહુલ દિલીપકુમાર મુલચંદાની (ઉ.વ.26 રહે.સેક્ટર 1/સી પ્લોટ નં.365, ગાયત્રી મંદિરની પાસે) હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય પૈકી રાહુલ અને જય ચિક્કાર દારૂના નશામાં હતા અને બંનેના મોઢામાંથી પુષ્કળ વાસ આવતી હતી. બાદમાં પોલીસે 100 ML દારૂ ભરેલી બોટલ, 5 લાખની કાર જપ્ત કરી ત્રણેય નબીરા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.