હિંમતનગરના ટાવર ચોકમાં આવેલ શહેરમાં સૌપ્રથમ બનાવેલી પીવાના પાણી માટેની ટાંકી 50 વર્ષે જર્જરિત થતાં તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે ઓવરહેડ ટાંકીને 13 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરાઈ હતી. જોકે આ કાર્યવાહીને લઈને ફાયર, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ સવારથી ખડેપગે હાજર રહ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, 2019-20ના રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાને લઈને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા તપાસ બાદ રિપોર્ટને લઈને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ટાવર ચોકની 9 લાખ લિટરની 18 મીટર ઊંચી ઓવરહેડ પાણીની ટાંકી ઈ.સ 1973માં બની હતી. જેને 50 વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઇ ગઈ હતી. જેથી છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને 4.29 લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઓવરહેડ ટાંકીના નીચેના ભાગને ડ્રીલિંગ દ્વારા તોડવામાં આવ્યા બાદ 2 JCB દ્વારા લોખંડના વાયર વડે ખેંચી નાખતા માત્ર 13 સેકન્ડમાં પાણીની ઓવરહેડ ટાંકી જમીનદોસ્ત થઇ હતી. તો સાત દિવસ દરમિયાન જમીનદોસ્ત ઓવરહેડ પાણીની ટાંકીનો કાટમાળ એજન્સી દ્વારા હટાવી લેવામાં આવશે.
આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના ટાવર ચોકમાં ઈ.સ. 1973માં બનાવેલી 50 વર્ષ જૂની 9 લાખ લિટરની ઓવરહેડ પાણીની શહેરની પ્રથમ પાણીની ટાંકી જર્જરિત હોવાને લઈને તોડવા માટે ટેન્ડર પ્રક્રિયા બાદ રવિવારે સવારે 8 કલાકથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો શહેરના ટાવર ચોકથી મહાવીરનગર જવાનો રેલવે ઓવરબ્રિજ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવીને બંધ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત ટાવર ચોકનું શાક માર્કેટ અને આસપાસની દુકાનો
પણ બંધ રાખવામાં આવી હતી. તો પાલિકા વિવિધ
વિભાગના વડા, કમર્ચારીઓ સાથે ફાયર ટીમ અને UGVCL
વિભાગની ટીમ પણ ખડેપગે રહી કામગીરીમાં પ્રત્યક્ષ અને
પરોક્ષ રીતે જોડાઈ હતી. એજન્સી દ્વારા તેમની ટેક્નિક વડે
આ ઓવરહેડ ટાંકીને માત્ર ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત
કરવામાં આવી હતી.