૧૦ ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો આદેશ
તમામ ૨૪૩ તાલુકાઓમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ભાજપ સરકારનાં અન્યાય અને અણઘડ વહીવટ અંગે લોકો સુધી સાચી હકીકત લઈ પહોંચાડવામાં આવશે
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસ જોરદાર તૈયારી કરી રહ્યું છે.સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતનાં તમામ તાલુકાઓમાં કોંગ્રેસનું ‘સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે . રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા ગુજરાતમાં પહેલી માર્ચ થી પાંચમી માર્ચ સુધી પસાર થવાની છે ત્યારે દરેક તાલુકા દીઠ અને જિલ્લા દીઠ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે.કોંગ્રેસ પક્ષે સ્થાનિક લેવલેથી સંગઠન મજબૂત કરવા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે તાબડતોબ તૈયારી કરી રહ્યું છે.૭૫ જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ છે. તાલુકાઓમાં પદયાત્રામાં નીકળવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી-મથકે આવેદનપત્ર આપી સ્થાનિક પ્રશ્નોની રજુઆત કરવામાં આવશે.સ્થાનિકોને થતા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી ‘જન અધિકાર પદયાત્રા’ કરવામાં આવશે.૧૦ ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદેશ કર્યો છે.તમામ ૨૪૩ તાલુકાઓમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ભાજપ સરકારનાં અન્યાય અને અણઘડ વહીવટ અંગે લોકો સુધી સાચી હકીકત લઈ પહોંચાડવામાં આવશે.લોકસભા ચૂંટણીને અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો તથા સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે સંમેલન બેઠકનું આયોજન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી ૭૫ આગેવાનોને સોંપવામાં આવી છે.