લેઉવા પાટીદાર સમાજ અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જયેશ રાદડિયા પોતાના સમાજને જાહેરમાં ઉધળો લેતા હોય તેમ આક્રમક નિવેદન આપ્યું હતું. જો પોતાના સમાજનો આગેવાન ઉભો થતો હોય ત્યારે તેમને પાડી ન દે તો તે લેઉવા પટેલ સમાજ નહીં, તેવું પણ રાદડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું.
આમ તો પાટીદાર સમાજ તેમની એકતાને લઈને જાણીતો છે. જોકે, ખુદ લેઉવા પાટીદાર સમાજના જ આગેવાન દ્વારા પોતાના જ આંગણે યોજાયેલા પ્રસંગમાં સમાજની કમજોરી જાહેર કરી હતી. જામકંડોરળામાં 351 દીકરીના સમૂહલગ્ન થોડા દિવસ પહેલા યોજાયા હતા. જે દરમિયાન લેઉવા પાટીદાર સમાજના લોકોને સંબોધતા જયેશ રાદડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
રાદડિયાએ પોતાના સમાજને સંબોધતા કહ્યું હતું કે, સમાજનો આગેવાન ઉભો થતો હોય ત્યારે તેમને પાડી ન દે તો તે લેઉવા પટેલ સમાજ નહીં. વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા છે પરંતુ આટલા વર્ષો બાદ પણ સમાજને બીજા સરદાર મળ્યા નથી. લેઉવા પાટીદાર સમાજને મજબૂત આગેવાનની જરૂર છે, કમજોર આગેવાનની નહીં. કોઈ કમજોર આગળ આવતો હોય તો તેમને ન આવવા દેતા, તેવી ટકોર પણ જયેશ રાદડિયાએ કરી હતી. સમાજની વાત આવી છે ત્યારે મે મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે. સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ જે સમયે આ સંબોધન કર્યું ત્યારે આશરે દોઢ લાખ કરતા પણ વધુ લોકો આ સંબોધન સાંભળી રહ્યા હતા. આ સમયે લેઉવા પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો પણ સ્ટેજ ઉપર હાજર હતા. ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું જયેશ રાદડીયાનું આ નિવેદન ચર્ચાનો વિષય પણ બન્યો છે.