ગાંધીનગરમાં ચોવીસ કલાક મીટરથી પાણી પુરવઠો પહોંચતો કરવા યુદ્ધના ધોરણે નવી લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરી દરમ્યાન આડેધડ ખોદકામ કરી દેવાતા ઠેરઠેર ખાડા ભૂવા પડવાની ફરિયાદો ઉઠી રહી છે. એવામાં છેલ્લા ચાર દિવસથી ગ – 2 સર્કલ નજીક લાઈનમાં ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણીનો વેડફાઈ રહ્યું છે. સતત પાણીનો વેડફાત થતાં સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.
પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ.બે હજાર કરોડથી વધુનું ભંડોળ મંજૂર થતાની સાથે જ કોર્પોરેશન તંત્ર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાયા છે. પાછલા ચાર દાયકા દરમિયાન પાટનગરની વસતીમાં થયેલા વધારાને ધ્યાને રાખીને પાણી અને ગટરની નવી લાઈનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અંદાજે રૂ.550 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં નવી લાઈન માટે ખાડા ખોદ્યા બાદ તેનું પુરાણ કરવામાં અને રોડને મૂળ સ્થિતિમાં લાવવામાં સંબંધિત કોન્ટ્રાક્ટરો ઉદાસીનતા દાખવી રહ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી હજારો નગરજનોને હાલાકીમાં મૂકી રહેલી આ સ્થિતિ સામે તંત્ર દ્વારા લાંબા સમય સુધી આંખમિંચામણા કરવામાં આવ્યા છે. નગરજનોની તકલીફો જોઈને સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે પણ પાણી અને ગટરની લાઈનના ખોદકામ તથા લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ પુરાણ, વોટરિંગ અને કોમ્પેક્શન કર્યા બાદ મૂળ સ્થિતિ પ્રમાણે રોડ બનાવી દેવાયા પછી જ કોન્ટ્રાકટરને બિલની ચૂકવણી કરવામાં આવે તેવી કમિશનરને રજૂઆત કરાઈ છે. એવામાં આડેધડ કામગીરીના લીધે દરેક વિસ્તારમાં ખાડા ખોદ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કે નવા રોડ નહીં બનતા અકસ્માતોનું જોખમ વધ્યું છે. બાળકો અને વડીલોમાં શ્વાસની તકલીફો વધી છે અનેક સિનિયર સિટિઝન્સે સવાર-સાંજ ચાલવાનું બંધ કરી દીધું છે અને બાળકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળે છે. એવામાં ગ – 2 સર્કલ નજીક લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ચાર દિવસથી હજ્જારો પાણીનો વેડફાઇ રહ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી.
આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, એકતરફ ઠેર ઠેર ખાડા ખોદીને રસ્તા ખખડધજ કરી દેવાયા છે. બીજી તરફ લાઈનમાં ભંગાણ સર્જાતા ચાર દિવસથી હજ્જારો લીટર પાણી સતત વહી રહ્યું છે. આવી કામગીરી કરનારા કસૂરવારો સામે તંત્રએ કડક પગલાં ભરવા જોઈએ. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે કહ્યું કે, આ મુદ્દે તાકીદે આરએન્ડબી વિભાગને સૂચના આપી દેવાઈ છે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય એની ખાસ તકેદારી રાખવા પણ ખાસ સૂચના આપી છે.