કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કહ્યું કે, તેમની પાર્ટી આદિવાસી લોકોના ‘જળ-જંગલ-જમીન’ અને યુવાનો રોજગાર માટે ઊભી છે. આ વાત રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક રોડ-શો દરમિયાન કહી હતી. ધનબાદના ટુંડીમાં શનિવારે રાત્રિ વિશ્વામ પછી ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે ઝારખંડમાં ત્રીજા દિવસે ગોવિંદપુરથી ફરી શરુ થઈ હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓને વેચવાથી બચાવવાનો છે અને દેશમાં ઉપલબ્ધ નોકરીઓ યુવાનો અને આદિવાસીઓ માટે સુનિશ્ચિત કરવાના ભાગ રુપે સૌએ જાગૃતિ થવું પડશે. આર્થિક અસંતુલન, નોટબંધી, જીએસટી અને બેરોજગારીએ દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે.
દરમિયાન, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકારી નોકરીમાં ખાલી જગ્યાને લઈને રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીની ગેરંટી ‘બેરોજગારીની ગેરંટી’ છે.
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, એક આંકડા અનુસાર દેશમાં લગભગ 30 લાખ સરકારી નોકરીની જગ્યા ખાલી છે.
આપણા દેશના કરોડો યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ છેલ્લા 10 વર્ષોમાં ભાજપ સરકારે આ નોકરીની ખાલી જગ્યા ભરવા માટે ફક્ત દેખાડા સિવાય કશુયં કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, જુલાઇ 2022માં સરકારે સંસદમાં માહિતી આપી હતી કે આઠ વર્ષમાં 22 કરોડ યુવાનોએ નોકરી માટે અરજી કરી હતી, પરંતુ નોકરી મળી માત્ર સાત લાખ યુવાનોને. તેનો અર્થ છે કે લગભગ 21.93 કરોડ યોગ્ય યુવાનો બેરોજગાર રહી ગયા છે.